<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

'પોલીસ વેલ્ફેર ફંડ'ના નિયમોમાં મોટા પાયે ફેરફાર:હવે 2 થી વધુ સંતાન ધરાવતા કર્મીઓને પણ લાભ મળશે: લગ્ન અને ઉચ્ચ અભ્યાસ માટે લોનની મર્યાદા વધારાઈ

લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લોન, આરોગ્ય અને સંતાનોના અભ્યાસ અંગેના નિયમોને વધુ ઉદાર અને કલ્યાણકારી બનાવાયા

અમદાવાદ :રાજ્યના પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહત આપનારો નિર્ણય લીધો છે. પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારોના કલ્યાણ માટે કાર્યરત 'પોલીસ વેલ્ફેર ફંડ'ના નિયમોમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. લાંબા સમયથી ચાલી આવતી માંગણીઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લોન, આરોગ્ય અને સંતાનોના અભ્યાસ અંગેના નિયમોને વધુ ઉદાર અને કલ્યાણકારી બનાવવામાં આવ્યા છે.

નવા નિયમો મુજબ, અત્યાર સુધી જે સરકારી યોજનાઓમાં બે સંતાનોની મર્યાદા નડતી હતી, તેમાં પોલીસ વેલ્ફેર ફંડ અંતર્ગત મોટી રાહત આપવામાં આવી છે. હવે બે કરતાં વધુ સંતાનો ધરાવતા પોલીસ કર્મચારીઓને પણ ફંડના લાભો અને સહાય મળવાપાત્ર રહેશે. આ સહાય આપવા માટે કર્મચારીના પગારમાંથી માત્ર એક દિવસની રકમ કાપીને બાકીની લોન કે આર્થિક સહાય ચૂકવવાની સરળ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે.

 

પોલીસ કર્મચારીઓના સંતાનો દેશ કે વિદેશમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે તે માટે શિક્ષણ લોનની મર્યાદામાં તોતિંગ વધારો કરાયો છે.

અભ્યાસ લોન: ભારતમાં કે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા પોલીસકર્મીઓના સંતાનો માટે રૂપિયા ૧૦ લાખથી લઈને રૂપિયા ૧૫ લાખ સુધીની લોન ખૂબ જ સરળ શરતો પર મંજૂર કરવામાં આવશે.

ઘરમાં કોઈ પ્રસંગ હોય ત્યારે પોલીસ કર્મચારીઓને આર્થિક તંગીનો સામનો ન કરવો પડે તે માટે લગ્ન માટેની લોનની મર્યાદામાં મોટો વધારો કરાયો છે. અગાઉ લગ્ન માટે માત્ર દોઢ લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી, જેની મર્યાદા હવે વધારીને સીધી રૂપિયા 5 લાખ સુધી કરી દેવામાં આવી છે.

 

દિવસ-રાત કાળી મજૂરી કરતા અને તણાવપૂર્ણ માહોલમાં નોકરી કરતા પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને સરકારે નવી યોજના ઉમેરી છે. હવે કર્મચારીઓ માટે એક નિશ્ચિત મર્યાદાની રકમનું ફ્રી હેલ્થ ચેકઅપ નિયમિત અંતરે કરાવવામાં આવશે. સરકારના આ ઐતિહાસિક અને પોલીસ લોકાભિમુખ નિર્ણયને પગલે સમગ્ર પોલીસ બેડામાં ખુશીની લહેર દોડી ગઈ છે.

(12:30 AM IST)