<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજના રેગિંગના ગંભીર મામલે મોટી કાર્યવાહી :તપાસના આધારે 3 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા

ઓર્થોપેડિક વિભાગમાં જુનિયર વિદ્યાર્થીઓના માનસિક-શારીરિક શોષણના પુરાવા મળતા મોટી કાર્યવાહી:અનામી ઈ-મેઈલ ફરિયાદ બાદ એન્ટી-રેગિંગ કમિટીની તપાસના આધારે 3 સિનિયર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા: NMC અને સરકારની મંજૂરી બાદ હવે દર મહિને મોનિટરિંગ ફરજિયાત કરાયું

અમદાવાદની પ્રતિષ્ઠિત બી. જે. મેડિકલ કોલેજમાં રેગિંગની એક ગંભીર ઘટના સામે આવ્યા બાદ વહીવટીતંત્ર દ્વારા ખૂબ જ કડક પગલાં લેવામાં આવ્યા છે. કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં અભ્યાસ કરતા 3 સિનિયર વિદ્યાર્થીઓ સામે રેગિંગના આરોપસર સસ્પેન્શનની આકરી સજા ફટકારવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર મેડિકલ કેમ્પસ અને શૈક્ષણિક આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. શિસ્તભંગ અને કાયદાકીય જોગવાઈઓ હેઠળ આ કાર્યવાહી તાત્કાલિક ધોરણે અમલમાં મૂકી દેવામાં આવી છે.

 

એન્ટી-રેગિંગ કમિટીની તપાસના અહેવાલ બાદ દોષિત ઠરેલા 3 વિદ્યાર્થીઓ સામે સસ્પેન્શનના આદેશ જાહેર કરાયા છે. આ સજા અંતર્ગત 1 વિદ્યાર્થીને લાંબા ગાળા માટે એટલે કે પૂરા 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય 2 વિદ્યાર્થીઓને 6-6 મહિના માટે સસ્પેન્ડ કરવાની સજા ફટકારવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓ નિર્ધારિત સમયગાળા દરમિયાન શૈક્ષણિક અને ક્લિનિકલ કામગીરીથી સંપૂર્ણપણે દૂર રહેશે.

 

 

આ સમગ્ર મામલાની શરૂઆત 1 જૂનના રોજ થઈ હતી, જ્યારે કોલેજ સત્તાધીશોને એક અનામી ઈ-મેઈલ દ્વારા ફરિયાદ મળી હતી. આ ફરિયાદને ગંભીરતાથી લઈને એન્ટી-રેગિંગ કમિટી દ્વારા ત્વરિત તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કમિટીએ જુનિયર વિદ્યાર્થીઓ અને સંબંધિત ફેકલ્ટીના સત્તાવાર નિવેદનો નોંધ્યા હતા. આ તપાસમાં જુનિયર વિદ્યાર્થીઓનું મેન્ટલ અને ફિઝિકલ હેરેસમેન્ટ થયું હોવાના સચોટ અને મજબૂત પુરાવા મળી આવ્યા હતા.

 

 

તપાસ પૂર્ણ થયાના માત્ર 24 કલાકની અંદર જ કોલેજ વહીવટીતંત્ર દ્વારા નેશનલ મેડિકલ કમિશન (NMC) ને વિગતવાર અહેવાલ મોકલી આપવામાં આવ્યો હતો. આ સાથે જ રાજ્ય સરકારને પણ સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરાઈ હતી. સરકાર તરફથી સસ્પેન્શનના આ કડક નિર્ણયને સત્તાવાર બહાલી મળતા જ આદેશનો અમલ શરૂ કરી દેવાયો છે.

 

બી. જે. મેડિકલ કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં આ પ્રકારની ઘટના નવી નથી. આ પહેલાં વર્ષ 2022 માં પણ આ જ વિભાગમાં રેગિંગનો મોટો વિવાદ સામે આવ્યો હતો. કોલેજના ડીન એ આ બાબતે ઊંડી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે આવી અમાનવીય ઘટનાઓથી સંસ્થાની વર્ષો જૂની પ્રતિષ્ઠા અને છબીને મોટું નુકસાન પહોંચે છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ જડમૂળથી રોકવા માટે હવે દર મહિને રેસિડેન્ટ ડોક્ટર્સના સ્ટેટમેન્ટ ફરજિયાતપણે ડીન ઓફિસ ખાતે મોનિટરિંગ અને રિપોર્ટિંગ માટે મોકલવાના રહેશે.

(7:11 PM IST)