<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

મહેસાણામાં મોટી કાર્યવાહી: સરકારી મિટિંગમાં ટી-શર્ટ પહેરીને આવતા ડેપ્યુટી કમિશનરને કારણદર્શક નોટિસ

મહેસાણામાં જિલ્લા કલેક્ટરની સત્તાવાર બેઠકોમાં પ્રોટોકોલ તોડી વારંવાર કેઝ્યુઅલ ટી-શર્ટ પહેરીને આવતા ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડાને અધિક કલેક્ટર મયંક પટેલે કડક વલણ દાખવી નોટિસ ફટકારી

મહેસાણા જિલ્લા વહીવટી તંત્રમાં શિસ્ત અને પ્રોટોકોલના ભંગને લઈને એક મોટો વહીવટી નિર્ણય સામે આવ્યો છે. સરકારી અધિકારીઓ માટે નિયત કરાયેલા ડ્રેસ કોડ અને ગરિમાનું પાલન ન કરવા બદલ મહેસાણાના અધિક કલેક્ટર મયંક પટેલે કડક વલણ અપનાવ્યું છે. તેમણે શિસ્તભંગના આ મામલાને ગંભીરતાથી લઈને એક ઉચ્ચ અધિકારી સામે સીધા પગલાં ભર્યા છે.

અધિક કલેક્ટર મયંક પટેલ દ્વારા મહેસાણાના ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડાને સત્તાવાર રીતે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આ નોટિસ મળતા જ સરકારી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ વહીવટી તંત્ર દ્વારા આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાતી મહત્વની વહીવટી બેઠકોમાં ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડા પ્રોફેશનલ કપડાંને બદલે કેઝ્યુઅલ ટી-શર્ટ પહેરીને  હાજર રહેતા હતા. એક ઉચ્ચ અધિકારી તરીકે સત્તાવાર મિટિંગોમાં આ પ્રકારનો પહેરવેશ શિસ્તની વિરુદ્ધ હોવાનું વરિષ્ઠ અધિકારીઓના ધ્યાને આવ્યું હતું. તેઓ વારંવાર આવી બેઠકોમાં ટી-શર્ટ પહેરીને જ આવતા હોવાથી આખરે તંત્રએ શિસ્ત જાળવવા માટે તેમને સત્તાવાર નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

(12:35 AM IST)