<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

ગુજરાત એસટીએસની મોટી કાર્યવાહી :ભરૂચના 'દારૂલ ઉલુમ માટલીવાલા' મદ્રેસામાંથી આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બે શંકાસ્પદોની અટકાયત

આ કાર્યવાહી બાદ 8 એકર જમીન પર પથરાયેલા આ મદ્રેસાની સ્થાપના અને તેના મૂળભૂત પારસી માલિકીના દાવાઓ તપાસના દાયરામાં આવ્યા

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા કુકરવાડા રોડ પરના 'દારૂલ ઉલુમ માટલીવાલા' મદ્રેસામાં ગુજરાત ATS દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આતંકવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની શંકાના આધારે ATSએ બે વ્યક્તિઓની અટકાયત કરી છે, જેમાં મહંમદ ઐયુબ સુણસણા અને મહંમદ હસન હનીફ કરડીયાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી બાદ મદ્રેસાની સ્થાપના અને તેની જમીનના વ્યવહારોને લઈને અનેક ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

સ્થાનિક સ્તરે અને તપાસ એજન્સીઓ માટે ચર્ચાનો વિષય એ છે કે, એક નાનકડું ગણાતું દારૂલ ઉલુમ 8 એકરથી વધુ વિશાળ જમીન પર કેવી રીતે પથરાયેલું છે? પ્રાપ્ત માહિતી અનુસાર, આશરે 50 વર્ષ પહેલાં આ જગ્યા 'આદર બાગ' તરીકે ઓળખાતી હતી. સ્થાનિક લોકોના દાવા મુજબ, આ જમીન મૂળભૂત રીતે પારસી સમાજની માલિકીની હતી. પ્રશ્ન એ થાય છે કે, જે જમીન આદર બાગ તરીકે જાણીતી હતી, ત્યાં દારૂલ ઉલુમ માટલીવાલાનું સંકુલ કેવી રીતે સ્થાપિત થયું અને તેના દસ્તાવેજી પુરાવા શું છે?

ATS દ્વારા જે બે વ્યક્તિઓને ઉઠાવવામાં આવી છે, તેમની પૂછપરછમાં આતંકવાદી કનેક્શન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. ભરૂચ જેવા સંવેદનશીલ વિસ્તારમાં મદ્રેસાની આડમાં ચાલતી આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દીધી છે. જમીનના મૂળ દસ્તાવેજો અને ટ્રસ્ટની કામગીરીની તપાસ હવે તંત્ર માટે પ્રાથમિકતા બની ગઈ છે. આ ઘટનાએ મદ્રેસાઓના સંચાલન અને તેની પાછળના ભંડોળ તેમજ જમીન સંપાદનના મુદ્દાઓને ફરીથી ચર્ચામાં મૂક્યા છે.

(9:28 PM IST)