<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd August 2026

અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાનાની આડમાં ચાલતા જુગારધામ પર SMCની મોટી કાર્યવાહી :એક સાથે 100 થી વધુ જુગારીઓ ઝડપાયા

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી લાખો રૂપિયાની રોકડ રકમ તેમજ જુગારના સાધનો અને મોટી માત્રામાં શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ :શહેરના સંવેદનશીલ અને ગીચ વસ્તી ધરાવતા દરિયાપુર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા એક અત્યંત શાનદાર અને મોટી રેડ પાડવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, દરિયાપુર વિસ્તારમાં આવેલા જાણીતા મનપસંદ જીમખાનાની આડમાં ગુપ્ત રીતે એક વિશાળ જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હોવાની ચોક્કસ બાતમી SMC ના અધિકારીઓને મળી હતી. આ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અચાનક આ સ્થળ પર દરોડો પાડતા સ્થાનિક પોલીસ બેડામાં પણ ભારે દોડધામ મચી જવા પામી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જ્યારે SMC ની ટીમ મનપસંદ જીમખાના ખાતે પહોંચી ત્યારે ત્યાં જુગારનો મોટો અડ્ડો ધમધમી રહ્યો હતો. પોલીસના અચાનક થયેલા આ આક્રમક પ્રવેશથી ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ રેડ દરમિયાન એકસાથે 100 થી વધુ જુગારીઓ પોલીસના સકંજામાં આવી ગયા હોવાની અત્યંત ચોંકાવનારી માહિતી સામે આવી છે. જીમખાનાની આડમાં ચાલતા આ ગેરકાયદે કાળા કારોબારમાં મોટા ગજાના જુગારીઓ સંડોવાયેલા હોવાનું મનાઈ રહ્યું છે.

 

 

આ દરોડા દરમિયાન સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થળ પરથી લાખો રૂપિયાની રોકડ રકમ તેમજ જુગારના સાધનો અને મોટી માત્રામાં શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે. સૌથી મોટો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે અગાઉ પણ આ જ સ્થળે અનેક વખત પોલીસ દરોડા પડી ચૂક્યા છે અને જીમખાનાની આડમાં જુગાર રમાતો હોવાની વિગતો બહાર આવી ચૂકી છે, છતાં સ્થાનિક પોલીસની રહેમનજર હેઠળ આ પ્રવૃત્તિ ફરી કેવી રીતે ધમધમતી થઈ ગઈ?

 

હાલ તો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડાયેલા તમામ જુગારીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને આ જુગારધામના મુખ્ય સંચાલકો તથા આની સાથે સંકળાયેલા અન્ય ઈસમો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક સ્તરે પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં આવતા ઉચ્ચ સ્તરે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે, જેના કારણે આગામી સમયમાં મોટા ખુલાસા થવાની પૂરી સંભાવના છે

 

(12:00 AM IST)