<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

વલસાડમાં સમુદ્રમાં કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી :દમણથી ઘુસાડાતા દારૂના નેટવર્કનો પર્દાફાશ : બોટ ઝડપાઇ : 50 લાખના મુદામાલ જપ્ત

દમણથી દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના આ પ્રયાસને કસ્ટમ વિભાગની સતર્કતાએ નિષ્ફળ બનાવ્યો

વલસાડ જિલ્લાના સમુદ્ર કિનારે કસ્ટમ વિભાગે એક મોટી કાર્યવાહી કરીને દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં જતી એક બોટને આંતરીને તપાસ કરતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. દમણથી દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડવાના આ પ્રયાસને કસ્ટમ વિભાગની સતર્કતાએ નિષ્ફળ બનાવ્યો છે. આ ઓપરેશન બાદ બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

વલસાડનો દરિયા કિનારો લાંબા સમયથી સંવેદનશીલ રહ્યો છે, ત્યારે કસ્ટમ વિભાગની ટીમ જ્યારે નિયમિત પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને કોલક સમુદ્ર કિનારે એક શંકાસ્પદ બોટ નજરે પડી હતી. સમુદ્રના મોજાંઓ વચ્ચે છુપાઈને નીકળવાનો પ્રયાસ કરી રહેલી આ બોટને અધિકારીઓએ ચારે બાજુથી ઘેરી લીધી હતી. પ્રારંભિક તપાસમાં જ બોટમાં મોટા પાયે ગેરકાયદેસર સામાન હોવાની આશંકા જણાતા તેને કિનારે લાવીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બોટની અંદર તપાસ કરતા વિદેશી દારૂના બોક્સનો ખડકલો જોવા મળ્યો હતો. કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, બોટમાંથી કુલ 555 બોક્સ વિદેશી દારૂ મળી આવ્યો છે. આ બોક્સમાં નાની-મોટી કુલ 18,672 બોટલો ભરેલી હતી. બજાર કિંમત મુજબ આ જથ્થાની કિંમત અંદાજે 50 લાખ રૂપિયાથી વધુ આંકવામાં આવી રહી છે. દારૂનો જથ્થો એટલો મોટો હતો કે તેની ગણતરી કરવામાં અને તેને સુરક્ષિત રીતે ખસેડવામાં પોલીસ અને કસ્ટમની ટીમને કલાકો સુધી મહેનત કરવી પડી હતી.

સામાન્ય રીતે રસ્તા માર્ગે પોલીસ ચેકિંગમાં પકડાઈ જવાની બીક હોવાથી બુટલેગરો હવે દરિયાઈ માર્ગનો સહારો લઈ રહ્યા છે. આ દારૂનો જથ્થો દમણથી ભરીને ગુજરાતના કોઈ ચોક્કસ લોકેશન પર ઉતારવાનો પ્લાન હતો. જોકે, કસ્ટમ વિભાગે સમયસૂચકતા વાપરીને આ નેટવર્કને તોડી પાડ્યું છે. જપ્ત કરાયેલી બોટ અને દારૂનો તમામ મુદ્દામાલ આગળની કાયદેસરની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો છે. કસ્ટમ વિભાગની આ સફળ કામગીરી બાદ હવે વલસાડ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ બોટ કોની હતી અને દારૂનો આટલો મોટો જથ્થો ગુજરાતમાં કોને સપ્લાય કરવાનો હતો? આ રેકેટમાં દમણના કયા મોટા ગજાના બુટલેગરો સામેલ છે તેની પણ વિગતો મેળવવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ મામલે કેટલીક વધુ ધરપકડ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

(6:54 PM IST)