<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ખેડા જિલ્લામાં ભ્રષ્ટાચારની કેનાલ સામે તંત્રની મોટી કાર્યવાહી :ધારાસભ્યની રજૂઆત બાદ અંતે ‘દાદાનું બુલડોઝર’ ફરી વળ્યું

માતરના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે વાઠવાડીમાં સ્થળ તપાસ કરતા નવી બની રહેલી કેનાલનું કામ એટલું નબળું હતું કે ધારાસભ્યએ માત્ર એક સામાન્ય હથોડી મારીને સિમેન્ટનું કામ ઉખાડી નાખ્યું હતું.

ખેડા જિલ્લામાં ભ્રષ્ટાચારના મામલે રાજ્ય સરકાર અને વહીવટી તંત્રએ લાલ આંખ કરી છે. વાઠવાડીમાં નબળી ગુણવત્તાની બનતી કેનાલ અંગે અહેવાલો અને ધારાસભ્યની રજૂઆત બાદ આખરે ‘દાદાનું બુલડોઝર’ ફરી વળ્યું છે. કરોડોના ખર્ચે બની રહેલી કેનાલમાં મોટાપાયે ગેરરીતિ સામે આવતા તંત્ર દ્વારા તેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેને પગલે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાયો છે અને ખેડૂતોમાં ભારે ખુશી જોવા મળી રહી છે.

માતરના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે થોડા દિવસો પહેલા વાઠવાડીમાં ખેડૂતોની ફરિયાદને પગલે સ્થળ પર જઈ તપાસ કરી હતી. આ નવી બની રહેલી કેનાલનું કામ એટલું નબળું હતું કે ધારાસભ્યએ માત્ર એક સામાન્ય હથોડી મારીને સિમેન્ટનું કામ ઉખાડી નાખ્યું હતું. બે કરોડ ઉપરાંતના ખર્ચે બની રહેલા આ નવીનીકરણના કામમાં કોન્ટ્રાક્ટરે લોટ-પાણીને લાકડા જેવું કામ કર્યું હોવાનું કેમેરા સામે સાબિત થતા આ અહેવાલ વાયુવેગે ફેલાયો હતો.

ભ્રષ્ટાચારના અહેવાલો બાદ સિંચાઈ વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ગાંધીનગર અને નડિયાદ સિંચાઈ વિભાગની તપાસ ટીમો દ્વારા વાઠવાડીમાં ધામા નાખવામાં આવ્યા હતા. ચાર કિલોમીટર લાંબી કેનાલ પર 50 થી વધુ અલગ-અલગ જગ્યાએ અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ પણ હથોડી વડે તપાસ કરતા કેનાલની મજબૂતી નહિવત હોવાનું અને ગુણવત્તા અત્યંત નબળી હોવાનું માલૂમ પડ્યું હતું.

તપાસમાં ભ્રષ્ટાચાર સાબિત થતા તંત્ર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે. નબળા કામવાળી લગભગ બે કિલોમીટર સુધીની કેનાલને જેસીબી અને બુલડોઝરની મદદથી ખોદી નાખવામાં આવી છે. સરકારની તિજોરીને નુકસાન પહોંચાડનારા અને ખેડૂતોના હિત સાથે ચેડા કરનારા કોન્ટ્રાક્ટર સામે આ એક આકરો સંદેશ છે. આગામી દિવસોમાં જવાબદાર કોન્ટ્રાક્ટર અને સુપરવિઝન કરનારા અધિકારીઓ સામે પણ વધુ કડક કાર્યવાહી થવાની શક્યતા છે.

કેનાલના નવીનીકરણના નામે થતા ભ્રષ્ટાચાર સામે બુલડોઝર ચાલતા સ્થાનિક ખેડૂતોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો આવી જ રીતે જાગૃતિ દાખવવામાં આવે અને નબળું કામ કરનારાઓને સબક શીખવાડવામાં આવે, તો જ સરકારી યોજનાઓનો સાચો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી શકે છે. હાલમાં આ સમગ્ર પંથકમાં ભ્રષ્ટાચાર વિરોધી આ કાર્યવાહીની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.

(7:18 PM IST)