News of Friday, 5th June 2026
નડિયાદમાં એસીબીની મોટી કાર્યવાહી : જમીનની હિસ્સા માપણીની કામગીરી પુરી કરવા માટે ૯૦,૦૦૦ રૂપિયાની લાંચ લેતા લાયસન્સ સર્વેયર દીલીપસિંહ બુધાજી ઉર્ફે બુધાભાઇ ચૌહાણ બસ સ્ટેશન બહારથી ઝડપાયા
ટ્રેપીંગ અધિકારી આરએન વિરાણી, મદદનીશ નિયામક એમએચ પુવાર અને નાયબ નિયામક હરેશ મેવાડાના માર્ગદર્શન હેઠળ એન્ટી કરપ્શન બ્યુરોએ પકોડી સેન્ટરની અંદર છટકું ગોઠવી ભ્રષ્ટ અધિકારીને દબોચ્યો

નડિયાદ : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચિયા અધિકારીઓ સામે લાલ આંખ કરીને એક મોટી અને સફળ ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા નિરિક્ષક જમીન અને દફતર કચેરી નડીયાદ ખાતે લાયસન્સ સર્વેયર તરીકે ફરજ બજાવતા દીલીપસિંહ બુધાજી ઉર્ફે બુધાભાઇ ચૌહાણ દ્વારા ખેડૂત પાસેથી જમીનની માપણી કામગીરી અર્થે લાંચની માંગણી કરવામાં આવી હતી. આ અંગે જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક સાધતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે અને લાંચની પૂરેપૂરી રકમ રૂપિયા ૯૦,૦૦૦ સ્થળ પરથી રિકવર કરી લેવામાં આવી છે.
**શું હતી ગુનાની ટૂંકી વિગત?**
આ કેસના ફરિયાદી અને એક જાગૃત નાગરિકે પોતાના ગામ ખાતે પોતાના, પોતાના નાના ભાઈના તેમજ પોતાના કાકાના દીકરાઓના નામે સને-૨૦૨૩ માં રજીસ્ટ્રર અઘાટ વેચાણ દસ્તાવેજથી ખેતી લાયક જમીન ખરીદી હતી. આ ખરીદાયેલી જમીનના કુલ હિસ્સામાંથી ફરિયાદી, તેમના નાના ભાઈ અને કાકાના દીકરાઓના ભાગે આવતી જમીનના ક્ષેત્રફળ મુજબ ભાગ (હિસ્સા) ની વહેંચણી કરવાની પ્રક્રિયા ચાલતી હતી. આ વહેંચણી અને જમીનના હિસ્સા માપણી કરવા સારુ ફરિયાદીએ ગુજરાત સરકારની આઈ.ઓ.આર.એ. (IORA) વેબ સાઈટ ઉપર ઓનલાઈન અરજી કરી હતી.
આ ઓનલાઈન અરજીના આધારે આક્ષેપિત લાયસન્સ સર્વેયર દીલીપસિંહ બુધાજી ઉર્ફે બુધાભાઇ ચૌહાણ ફરિયાદીની જમીન ખાતે રૂબરૂ જઈને હિસ્સા માપણી કરી ફરિયાદીનું નિવેદન લીધું હતું. પરંતુ જમીન હિસ્સા માપણીનો ખુંટ માર્યો ન હતો. જેથી ફરિયાદીએ આક્ષેપિત સર્વેયરને હિસ્સા માપણીનો ખુંટ મારવા માટે જણાવ્યું હતું. તેના અવેજમાં આક્ષેપિતે વ્યવસ્થિત રીતે માપણી કરી આપવા, કામગીરીમાં કોઈ વાંધા વચકા નહીં કાઢવા અને માપણીની કામગીરી પૂરી કરી આપવાના વ્યવહાર પેટે રૂપિયા ૯૦,૦૦૦ ની મસમોટી લાંચની રકમની માંગણી કરી હતી.
**એસબીએ બસ સ્ટેશન બહાર પકોડી સેન્ટરમાં ગોઠવ્યું છટકું**
ફરિયાદી આ લાંચની રકમ આપવા બિલકુલ માંગતા ન હોવાથી, તેઓએ આણંદ એસીબી પોલીસ સ્ટેશન ખાતે આવીને પોતાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે આજ તારીખ ૦૫/૦૬/૨૦૨૬ ના રોજ એસીબીની ટીમ દ્વારા નડિયાદ બસ સ્ટેશનની બહાર આવેલા સાંઈબાબા પકોડી સેન્ટરની અંદર લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ લાંચના છટકા દરમિયાન આક્ષેપિત દીલીપસિંહ બુધાજી ઉર્ફે બુધાભાઇ ચૌહાણે ફરિયાદી સાથે લાંચની માંગણી અંગેની હેતુલક્ષી વાતચીત કરી હતી અને ફરિયાદી પાસેથી લાંચના નાણા રૂપિયા ૯૦,૦૦૦ સ્વીકાર્યા હતા. નાણા સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગેહાથ પકડી પાડી તેના હોદ્દાનો દુરુપયોગ કરવા તેમજ ગુનાહિત ગેરવર્તણૂક આચરવા બદલ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
**આ ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા થઈ કાર્યવાહી**
આ સફળ ટ્રેપનું સંચાલન આણંદ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ટ્રેપીંગ અધિકારી આરએન વિરાણી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઓપરેશનમાં એસીબી અમદાવાદ એકમના મદદનીશ નિયામક અને સુપરવિઝન અધિકારી એમએચ પુવાર તેમજ એસીબી અમદાવાદના નાયબ નિયામક અને ઇન્ચાર્જ અધિકારી હરેશ મેવાડા દ્વારા યોગ્ય માર્ગદર્શન અને સુપરવિઝન પૂરું પાડવામાં આવ્યું હતું.
(5:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
