તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
ભાવનગર સ્ટેટ ફાયર સર્વિસના ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર મહેશકુમાર અમૃતભાઇ પટેલ અને વચેટિયા પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણને રૂા. ૨ લાખની લાંચ લેતા ઝડપી પાડતી આણંદ એસીબીની ટીમ
૭૯ સરકારી શાળાઓના ફાયર સેફ્ટી પ્લાન અને સર્ટિફિકેટ મંજૂર કરવાના અવેજમાં ૫ લાખની માંગણી કરનાર મહેશકુમાર પટેલ વતી લાંચ સ્વીકારતા પ્રકાશ ચૌહાણ ટ્રેપમાં આબાદ રીતે સપડાયા : પીઆઈ આર એન વિરાણી દ્વારા સફળ ટ્રેપ

ભાવનગર:ભાવનગર શહેરમાં આજે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના ઉચ્ચ અધિકારી અને એક ખાનગી વ્યક્તિને લાંચના મસમોટા કેસમાં રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ સમગ્ર કામગીરી આણંદ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર એન વિરાણી અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવી છે, જેનું સુપરવિઝન મદદનીશ નિયામક એમ એચ પુવાર અને નાયબ નિયામક હરેશ મેવાડા દ્વારા કરવામાં આવ્યું હતું.
૫ લાખની લાંચની માંગણી અને ૨ લાખનો હપ્તો:
આ કેસની વિગત મુજબ, એક જાગૃત નાગરિકે ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓની ૭૯ જેટલી સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ઇન્સ્ટોલ કરવાનો પેટા કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. આ કામગીરી પૂર્ણ થયા બાદ તેના પ્લાન એપ્રુવલ અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓના નિકાલ અને વહીવટ પેટે આરોપી નંબર ૧ મહેશકુમાર અમૃતભાઇ પટેલ (ડેપ્યુટી રીઝનલ ફાયર ઓફિસર, વર્ગ-૨) દ્વારા રૂા. ૫,૦૦,૦૦૦/- ની લાંચ માંગવામાં આવી હતી. આ પેટે અગાઉ વચેટિયા એવા આરોપી નંબર ૨ પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણ મારફતે રૂા. ૫૦,૦૦૦/- સ્વીકારી લેવામાં આવ્યા હતા. બાકીના ૪.૫૦ લાખમાંથી ૨ લાખ રૂપિયા આપવાનું આજે નક્કી થયું હતું.
એટીએમ પાસે ગોઠવવામાં આવ્યું લાંચનું છટકું:
ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે આજે તારીખ ૨૦/૦૪/૨૦૨૬ના રોજ ભાવનગરની સર ટી હોસ્પિટલના ગેટ નંબર ૨ પાસે, એસબીઆઈ એટીએમની સામે જાહેર રોડ પર છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ સ્થળે આરોપી પ્રકાશ ગીરીશભાઇ ચૌહાણે ફરિયાદી સાથે લાંચની માંગણી અંગે હેતુલક્ષી વાતચીત કરી રૂા. ૨,૦૦,૦૦૦/- સ્વીકારતા જ એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.
બંને આરોપીઓની ધરપકડ:
ટ્રેપ દરમિયાન પ્રકાશ ચૌહાણ લાંચની રકમ સાથે સ્થળ પરથી પકડાયો હતો, જ્યારે મુખ્ય આરોપી મહેશકુમાર અમૃતભાઇ પટેલ તેમની કચેરી ખાતેથી મળી આવ્યા હતા. તપાસમાં ખુલ્યું છે કે બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં રહીને આ ગુનો આચર્યો હતો. મહેશકુમાર પટેલે રાજ્ય સેવક તરીકેના પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક કરી હોવાનું સાબિત થતા એસીબીએ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસીબી દ્વારા લાંચની પૂરેપૂરી રૂા. ૨,૦૦,૦૦૦/- ની રકમ રિકવર કરવામાં આવી છે.
(6:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
