News of Saturday, 28th November 2026
નવગજા ગજરાજોની ભવ્ય શોભા પર સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની ટ્રેન્ટ ગામમાં વિશ્વશાંતિ નગરયાત્રા
પુષ્પવર્ષા, ભજન-કીર્તન, ઢોલ-નગારાના નાદ અને જયઘોષથી સમગ્ર ટ્રેન્ટ ગામ ભક્તિમય બન્યું; હજારો ભાવિકોએ દિવ્ય દર્શનનો લાભ લીધો

અમદાવાદ : ટ્રેન્ટ ગામમાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની ભવ્ય નગરયાત્રા
વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ, ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક પરંપરાનો અદભૂત સંગમ સર્જાયો હતો. નવગજા ગજરાજોની ભવ્ય શોભા પર દિવ્ય સ્વરૂપે બિરાજમાન શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાની અભૂતપૂર્વ વિશ્વશાંતિ નગરયાત્રા ટ્રેન્ટ ગામમાં અત્યંત ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવ સાથે યોજાઈ હતી. ભક્તોના જયઘોષ, ભજન-કીર્તન, પુષ્પવર્ષા, ઢોલ-નગારાના નાદ અને દિવ્ય દર્શનથી સમગ્ર ટ્રેન્ટ ગામ ભક્તિના રંગે રંગાયું હતું.
શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ટ્રેન્ટ ગામમાં બાઈઓના મંદિરમાં ઈ.સ. 1971માં સ્વામિનારાયણબાપા તથા નાદવંશીય પરંપરાની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. જ્યારે શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજીએ ભાઈઓના મંદિરમાં ઈ.સ. 1981માં મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ બંને પાવન પ્રસંગોને અનુક્રમે 55 અને 45 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
નગરયાત્રામાં નવગજા ગજરાજોની ભવ્ય શોભા પર બિરાજમાન શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માર્ગોની બંને બાજુ ભાવિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. રંગબેરંગી ધ્વજ-પતાકાઓ, સુંદર શણગાર, ભક્તિ સંગીત અને ભાવિકોના ઉત્સાહે સમગ્ર નગરયાત્રાને અલૌકિક તથા યાદગાર બનાવી હતી. ઠેરઠેર પુષ્પવર્ષા, આરતી અને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકો, યુવાનો, વડીલો અને પરિવારો ભગવાનના દિવ્ય દર્શનથી ધન્ય બન્યા હતા.
વિશ્વવિખ્યાત સ્કોટિશ પાઈપ બેન્ડ, લંડન-યુકે તથા મણિનગરના યુવાનોની કર્ણપ્રિય સૂરાવલીઓ, પૂજનીય સંતો, હરિભક્તો, જયઘોષ કરતા યુવાનો, નવગજા ગજરાજો, ભજન મંડળીઓ, સાંખ્યયોગી બાઈઓ અને કળશધારી બહેનોની ભવ્ય ઉપસ્થિતિએ નગરયાત્રાની શોભામાં ચાર ચાંદ લગાવ્યા હતા. ભક્તિનગરથી શરૂ થયેલી નગરયાત્રા બાઈઓના શ્રી સ્વામિનારાયણ મંદિર, ચોક થઈ ભાઈઓના શ્રી સ્વામિનારાયણ મંદિરે પૂર્ણ થઈ હતી.
શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજનું યજમાનોએ ઉમળકાભેર સ્વાગત કરી પૂજન-અર્ચન કર્યું હતું. સમગ્ર નગરયાત્રા દરમિયાન 'જય શ્રી સ્વામિનારાયણ'ના ગગનભેદી નાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું હતું. અભૂતપૂર્વ વિશ્વશાંતિ નગરયાત્રાનો લ્હાવો માણ્યા બાદ સૌ ભાવિકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.
ગજરાજોની ભવ્ય શોભા, ભગવાનના દિવ્ય દર્શન અને ભક્તોના હૃદયમાં વસેલી અખંડ શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ આ નગરયાત્રાને માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, એકતા, સેવા, સમર્પણ અને આધ્યાત્મિક મૂલ્યોનો જીવંત ઉત્સવ બનાવી રહ્યો હતો. વિદેશની ધરતી પર પણ ભારતીય સંસ્કૃતિ અને ધર્મપરંપરા પ્રત્યેનો પ્રેમ કેટલો ઊંડો અને જીવંત છે તેનો આ પ્રસંગ પ્રત્યક્ષ સાક્ષી બન્યો હતો.
સમગ્ર ટ્રેન્ટ ગામ સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના દિવ્ય આગમનથી પાવન થયું હોય તેવી ભાવસભર અનુભૂતિ ભાવિકોએ કરી હતી. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભક્તિ, પ્રેમ અને સમર્પણનો ભાવ વધુ દૃઢ બને, જીવનમાં સત્સંગ, સેવા, સદાચાર અને આધ્યાત્મિકતાનો પ્રકાશ પ્રસરે તથા સૌને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત થાય તેવી પવિત્ર ભાવના સાથે આ ભવ્ય નગરયાત્રા સૌના હૃદયમાં અવિસ્મરણીય દિવ્ય સ્મૃતિ બની રહી હતી.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
