તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
અમદાવાદમાં ‘લક્ઝરી' ક્રેઝઃ ૫૦ લાખથી ૪ કરોડની કાર ખરીદવા પડાપડી
લોકોની જીવનશૈલીમાં આવી રહેલા બદલાવ અને વધતી જતી આર્થિક સમળદ્ધિને કારણે શહેરમાં લક્ઝુરિયસ કારોનો ક્રેઝ સતત વધી રહ્યો છે ચાલુ વર્ષ દરમિયાન શહેરમાં ૫૦ લાખથી ૧ કરોડ સુધીની કિંમતની રોજની સરેરાશ ૨થી વધુ મોંઘીદાટ કારોનું વેચાણ નોંધાયું : આ ઉપરાંત, અમદાવાદની ત્રણેય RTO કચેરીઓમાં ૨૦ લાખથી ૪ કરોડ સુધીની પ્રીમિયમ અને લક્ઝુરિયસ કારોના રજિસ્ટ્રેશનમાં ૩૮.૯૨ ટકાનો જંગી ઉછાળો

અમદાવાદ, તા.૨૪: ગુજરાતની ઓળખ હવે માત્ર ટેક્સટાઇલ કે બિઝનેસ હબ પૂરતી મર્યાદિત રહી નથી, પરંતુ અમદાવાદ જેવા શહેરના રસ્તાઓ પર દોડતી કરોડો રૂપિયાની કિંમતની લક્ઝુરિયસ કાર અહીંના લોકોની વધતી જતી અને બદલાતી જીવનશૈલીની ચાડી ખાઈ રહી છે. આ વાત અમે નહીં, RTO કચેરીના આંકડાઓ કહી રહ્યા છે. અમદાવાદની ત્રણેય આર.ટી.ઓ. (RTO) કચેરીઓના તાજેતરના આંકડા પર વાત કરીએ તો ચાલુ વર્ષે ૨૦ લાખથી લઈને ૪ કરોડ સુધીની પ્રીમિયમ અને લક્ઝુરિયસ કારના રજિસ્ટ્રેશનમાં ગત વર્ષની સરખામણીએ ૩૮.૯૨ ટકાનો જંગી ઉછાળો નોંધાયો છે.
શહેરમાં રોજ સરેરાશ ૨થી વધુ લક્ઝુરિયસ કારના શો-રૂમમાંથી થઈ રહ્યા છે સોદાઃ RTO કચેરીના આંકડાકીય માહિતી પર નજર કરીએ તો, ગત વર્ષપ્ર૨૦૨૫માં રૂ. ૫૦ લાખથી ૧ કરોડ સુધીની કિંમતની કુલ ૭૭૪ કાર વેચાઈ હતી. તેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં જ ૯૫૦ કારનું રજિસ્ટ્રેશન થઈ ચૂકયું છે, એટલે કે શહેરમાં દરરોજ સરેરાશ ૨થી વધુ લક્ઝુરિયસ કારના શો-રૂમમાંથી સોદા થઈ રહ્યા છે. એટલું જ નહીં, રૂ. ૧ કરોડથી ૨ કરોડની રેન્જની સુપર-લક્ઝુરિયસ કારની માંગમાં પણ વધારો થયો છે. ગત વર્ષે દર મહિને સરેરાશ ૧૦ કાર વેચાતી હતી, જે આંકડો હવે વધીને પ્રતિ માસ ૧૩ કાર પર પહોંચ્યો છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં પ્રીમિયમ સેગમેન્ટની તેજીઃ અમદાવાદની ત્રણેય આર.ટી.ઓ. કચેરીઓમાં રૂ. ૨૦ લાખથી ૪ કરોડની કિંમતની કારનું રજિસ્ટ્રેશન વર્ષ-૨૦૨૫માં ૪,૭૭૪ હતું, જે વર્ષ-૨૦૨૬માં વધીને ૬૬૩૨ થઈ ગયું છે. આ ટ્રેન્ડ માત્ર અમદાવાદ પૂરતો જ નથી, પરંતુ પાટનગર ગાંધીનગરમાં પણ આ જ શ્રેણીની કારનું રજિસ્ટ્રેશન ૪૫૭થી વધીને ૬૦૪ પર પહોંચ્યું છે. બીજી તરફ, રૂ. ૨૦ લાખ સુધીની બજેટ કારની માંગ પણ અકબંધ રહી છે. સુભાષબ્રિજ આર.ટી.ઓ.માં ચાલુ વર્ષે ૩૨,૦૦૦ કાર અને વષાાલ આર.ટી.ઓ.માં ગત વર્ષના ૧૩,૯૮૩ની સામે ચાલુ વર્ષે ૧૭,૫૨૮ બજેટ કારનું રજિસ્ટ્રેશન નોંધાયું છે.
લક્ઝુરિયસ કાર માર્કેટમાં આવેલા આ બદલાવ પાછળ ગ્રાહકોની બદલાતી પ્રોફાઇલ જવાબદારઃ વાહન ડીલરો અને આર.ટી.ઓ. અધિકારીઓના જણાવ્યા મુજબ, લક્ઝુરિયસ કાર માર્કેટમાં આવેલા આ ફેરફાર પાછળ ગ્રાહકોની બદલાતી જીવનશૈલી અને આર્થિક સદ્ધરતા મુખ્ય કારણ છે. અગાઉ બી.એમ.ડબલ્યુ., મર્સિડીઝ, લેન્ડરોવર, લેમ્બોર્ગિની, મસરાટી, બેન્ટલી, રોલ્સ રોયસ અને ફેરારી જેવી ઈમ્પોર્ટેડ કાર માત્ર મોટા ઉદ્યોગપતિઓ, રાજકીય નેતાઓ કે ખેલાડીઓ પૂરતી મર્યાદિત હતી. હવે ઊંચા પગારે કામ કરતા કોર્પોરેટ પ્રોફેશનલ્સ, બેન્કર્સ, ડોક્ટર્સ, વકીલો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) પણ સ્ટેટસ સિમ્બોલ અને આરામદાયક મુસાફરી માટે આવી કાર ખરીદી રહ્યા છે. ઓટોમોબાઈલ કંપનીઓ દ્વારા ૫૦ લાખથી ઓછી કિંમતની કારમાં દર છ મહિને અને ૧ કરોડથી વધુની કારમાં દર વર્ષે નવી ડિઝાઈન અને આધુનિક ફીચર્સ લોન્ચ કરવામાં આવે છે, જે ગ્રાહકોને આકર્ષે છે.
અમદાવાદના લક્ઝુરિયસ કાર બજારમાં હજુ વધુ તેજી આવવાની પૂરેપુરી શકયતા : વાહન બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, વર્ષના અંતે ઓટોમોબાઈલ સેક્ટરમાં ૧૨થી ૧૫ ટકાનો વિકાસ દર જળવાઈ રહ્યો છે. આગામી સમયમાં થનારા આંતરરાષ્ટ્રીય કરારો અને કોમનવેલ્થ ગેમ્સ જેવા મોટા આયોજનોને પગલે રાજ્યમાં રોકાણ અને આર્થિક ગતિવિધિઓ વધશે, જેના કારણે અમદાવાદના લક્ઝુરિયસ કાર બજારમાં હજુ વધુ તેજી આવવાની પૂરી શકયતા છે
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
