તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 1st September 2026
ચોપડવાવ ગામની સસ્તા અનાજની દુકાનમાં ‘તાળાબંધી નો ખેલ, તપાસ આવી તો સંચાલક ફરાર, તાળું તોડી ખોલવી પડી દુકાન
ઓનલાઇન સ્ટોક કંઈક, દુકાનમાં જથ્થો કંઈક, ચોપડવાવની રેશન દુકાનમાં તંત્રની તપાસથી ઉઠ્યા ગંભીર સવાલો:તપાસ ટીમ પહોંચી તો દુકાનદારને તાળું મારવાનું કેમ યાદ આવ્યું? ચોપડવાવમાં રેશન દુકાનનો ભાંડો ફૂટ્યો!:ગરીબોના હકના અનાજ પર કોનો હાથ? ચોપડવાવમાં રેશન દુકાનનું તાળું તોડી સ્ટોક ચકાસાયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચોપડવાવ ગામે સસ્તા અનાજની દુકાનમાં ગેરરીતિ અને ગરીબ લાભાર્થીઓને તેમના હક્કનું અનાજ ન મળતું હોવાના આક્ષેપોને લઈને ગ્રામજનોએ એક દિવસ પહેલા મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરી હતી. રજૂઆત બાદ આજે તા.1,સપ્ટેમ્બર, 2026 ના રોજ સાગબારા મામલતદાર નીતિન મકવાણા તથા નાયબ મામલતદાર પુરવઠા નિમેશ ગોહિલે ટીમ સાથે સસ્તા અનાજની દુકાનની આકસ્મિક તપાસ હાથ ધરી હતી.
તપાસ ટીમ દુકાને પહોંચે તે પહેલાં જ દુકાન સંચાલક દિનેશભાઈ ભરતભાઈ વલવી દુકાન તેમજ પોતાના ઘરને તાળું મારી સ્થળ પરથી નાશી ગયા હોવાનો અધિકારીઓ અને ગ્રામજનોનો દાવો છે. મોબાઈલ ફોન પણ બંધ હોવાનું જણાવાયું હતું. સંચાલક સ્થળ પર હાજર ન હોવાથી નાયબ મામલતદાર પુરવઠા નિમેશ ગોહિલની હાજરીમાં દુકાનનું તાળું તોડી અંદર રહેલા આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન સ્થળ પર ઘઉં 5,250 કિલો, ચોખા 3,940 કિલો અને જુવાર 2,500 કિલોનો જથ્થો જોવા મળ્યો હતો. જ્યારે ખાંડ અને તેલનો પ્રત્યક્ષ જથ્થો 0.00 કિલો નોંધાયો હતો.
બીજી તરફ ઓનલાઇન રેકોર્ડ મુજબ ઘઉં 5,089 કિલો, ચોખા 5,432.5 કિલો, ખાંડ 281.9 કિલો, જુવાર 2,059 કિલો તથા મીઠું 583 કિલોનો સ્ટોક દર્શાવવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ઓનલાઇન નોંધાયેલા સ્ટોક અને સ્થળ પર મળેલા વાસ્તવિક જથ્થા વચ્ચેના તફાવતને લઈને હવે તપાસનો વિષય વધુ ગંભીર બન્યો છે.
– બે મહિનાનું અનાજ ક્યાં ગયું? ગ્રામજનોનો સીધો સવાલ
ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનાથી અનેક લાભાર્થીઓને અનાજ આપવામાં આવ્યું નથી. દુકાન નિયમિત રીતે ખુલતી ન હોવાના તથા મહિનાના અંતિમ દિવસે જ લાભાર્થીઓના ફિંગર લેવામાં આવતા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
ગ્રામજનોનો વધુ આક્ષેપ છે કે રેશનકાર્ડ ધારકોની ફિંગર લેવામાં આવે છે, પરંતુ તેમને કૂપન આપવામાં આવતું નથી. પરિણામે લાભાર્થીને કેટલો જથ્થો મળ્યો અને કયા પ્રમાણમાં અનાજની નોંધ થઈ તે અંગે પારદર્શિતા રહેતી નથી.
– “જ્યાં જવું હોય ત્યાં જાવ, ફરિયાદ કરો” — ગ્રામજનોનો આક્ષેપ
ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે દુકાન સંચાલક સામે અગાઉ પણ બે-ત્રણ વખત આવી ફરિયાદો ઉઠી હોવા છતાં અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સંચાલક રાજકીય વગ ધરાવતા હોવાથી કોઈનો ડર રાખતા નથી અને પોતાની મનમાની કરતા હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. જોકે રાજકીય વગ અને અગાઉની ફરિયાદો અંગે સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે.
– ગ્રામજનોની લાઇસન્સ રદ કરવાની માંગ
ચોપડવાવના ગ્રામજનોએ હવે પુરવઠા તંત્ર સમક્ષ સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ ગેરરીતિ સાબિત થાય તો સસ્તા અનાજની દુકાનનું લાઇસન્સ રદ કરવા, લાભાર્થીઓને તેમના હક્કનું બાકી અનાજ નિયમસર અપાવવા, દુકાન નિયમિત રીતે ખુલ્લી રાખવા તથા દરેક લાભાર્થીને કૂપન આપવાની માંગ ઉઠી છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે ઓનલાઇન રેકોર્ડમાં દર્શાવાતા જથ્થા અને સ્થળ પર મળેલા જથ્થા વચ્ચેનો તફાવત શા માટે છે? ખાંડ અને તેલનો ઓનલાઇન સ્ટોક હોવા છતાં સ્થળ પર જથ્થો શૂન્ય કેમ મળ્યો? અને બે મહિનાથી અનાજ ન મળ્યાની ફરિયાદ સાચી હોય તો જવાબદાર કોણ?
આ સમગ્ર મામલે પુરવઠા વિભાગની તપાસ બાદ શું કાર્યવાહી થાય છે તેના પર હવે ચોપડવાવ સહિતના લાભાર્થીઓની નજર મંડાઈ છે
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
