તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
અમદાવાદના ચાંદખેડામાં એક સોસાયટીમાં બાળકને શંકાસ્પદ રીતે લઈ જતાં શખ્સને સ્થાનિકોએ ઝડપ્યો
યુવાનની પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ ન મળતા રોષે ભરાયેલા લોકોએ તેને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી ONGC અને GSC કો-ઓપરેટિવ બેંક પાસેની એક સોસાયટીમાં બાળક ચોરીનો પ્રયાસ થયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક અજાણ્યો યુવાન 7 વર્ષના માસૂમ બાળકને શંકાસ્પદ હાલતમાં લઈ જઈ રહ્યો હતો, ત્યારે સ્થાનિક રહીશોની નજર તેના પર પડી હતી. સતર્ક નાગરિકોએ યુવાનને અટકાવી પૂછપરછ કરતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો, જેને પગલે રોષે ભરાયેલા લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો અને ત્યારબાદ પોલીસને હવાલે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપીનું નામ શિવમ યાદવ હોવાનું બહાર આવ્યું છે અને તે મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી છે. આરોપીએ જણાવ્યું હતું કે તે ભાવનગરમાં મજૂરી કામ કરતો હતો અને ત્યાંથી ટ્રેન મારફતે અમદાવાદ આવ્યો હતો. જોકે, તે ચાંદખેડામાં શા માટે આવ્યો હતો અને બાળકને કયા ઈરાદે લઈ જઈ રહ્યો હતો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ ખુલાસો થયો નથી. પોલીસ તેના નિવેદનની સત્યતા ચકાસી રહી છે.
બનાવની જાણ થતા જ ચાંદખેડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આરોપીની અટકાયત કરી હતી. બાળકના પરિવારજનોની રજૂઆતને આધારે પોલીસ સ્ટેશનમાં વિધિવત્ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ શખ્સ કોઈ બાળક ચોરી કરતી ગેંગ સાથે સંકળાયેલો છે કે કેમ. આ ઘટના બાદ પોલીસે વાલીઓને પણ પોતાના બાળકો પર પૂરતી દેખરેખ રાખવા અને અજાણ્યા શખ્સોથી સાવધ રહેવા અપીલ કરી છે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
