<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

અમદાવાદમાં મતદારોનો આભાર માનવા 'ઋણ સ્વીકાર' કાર્યક્રમ : નવા અને પૂર્વ કાઉન્સિલરે લગાવ્યા ઠુમકા

ધારાસભ્યની હાજરીમાં જ સ્ટેજ પર અને સ્ટેજની નીચે પક્ષના કાર્યકરો અને નેતાઓ ગીતોના તાલે નાચવા લાગ્યા: સામાન્ય રીતે પ્રોટોકોલ અને શિસ્તમાં રહેતા નેતાઓનો આ પ્રકારનો ગરબે ઘૂમતો અને ઠુમકા લગાવતો અંદાજ જોઈને ત્યાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં યોજાયેલા ભાજપના 'ઋણ સ્વીકાર' કાર્યક્રમનો વીડિયો વાયરલ થયો છે. ધારાસભ્ય જીતુ ભગતની હાજરીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદના વર્તમાન નવા કાઉન્સિલરો અને પૂર્વ કાઉન્સિલરોએ સંગીતના તાલે મન મૂકીને ઠુમકા લગાવ્યા હતા, જે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી રહ્યો છે.

 અમદાવાદ શહેરમાં યોજાયેલા ભાજપના એક સત્તાવાર કાર્યક્રમનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ ખાતે મતદારોનો આભાર માનવા માટે 'ઋણ સ્વીકાર' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગંભીર ગણાતા રાજકીય કાર્યક્રમમાં અચાનક જ ઉત્સાહનું મોજું ફરી વળ્યું હતું અને સ્થાનિક નેતાઓ સંગીતના તાલે ઝૂમી ઉઠ્યા હતા.

 

આ ઋણ સ્વીકાર કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય જીતુ ભગત પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્યની હાજરીમાં જ સ્ટેજ પર અને સ્ટેજની નીચે પક્ષના કાર્યકરો અને નેતાઓ ગીતોના તાલે નાચવા લાગ્યા હતા. સામાન્ય રીતે પ્રોટોકોલ અને શિસ્તમાં રહેતા નેતાઓનો આ પ્રકારનો ગરબે ઘૂમતો અને ઠુમકા લગાવતો અંદાજ જોઈને ત્યાં હાજર તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

 

આ વાયરલ વીડિયોની સૌથી રસપ્રદ બાબત એ છે કે તેમાં માત્ર કાર્યકરો જ નહીં, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વર્તમાન અને પૂર્વ પદાધિકારીઓ પણ ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વોર્ડના નવનિર્વાચિત નવા કાઉન્સિલર અને પક્ષના પૂર્વ કાઉન્સિલરોએ પણ ભેગા મળીને જોરદાર ઠુમકા લગાવ્યા હતા. ચૂંટણીમાં મળેલી ભવ્ય સફળતા અને મતદારોના ઉત્સાહને વધાવવા માટે નેતાઓએ તમામ બંધનો છોડીને મન મૂકીને નૃત્ય કર્યું હતું.

 

કાર્યક્રમ દરમિયાન કોઈ ઉત્સાહી કાર્યકરે આ સમગ્ર નૃત્યનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે અત્યારે ઇન્ટરનેટ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે. લોકમુખે ચર્ચા છે કે નેતાઓનો આવો ખુશમિજાજ અંદાજ બહુ ઓછી વાર જોવા મળે છે. જ્યારે બીજી તરફ વિરોધીઓ આ મામલે કટાક્ષ પણ કરી રહ્યા છે. સ્થાનિક સ્તરે કાર્યકરોમાં આ વીડિયોને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(11:25 PM IST)