<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th May 2026

અમદાવાદ મનપાની ચૂંટણીમાં વિજેતા બનેલા કોંગ્રેસના એક ઉમેદવાર દ્વારા રજૂ કરાયેલ લિવિંગ સર્ટિફિકેટ બોગસ !:સનસનાટીભર્યો ખુલાસો

એલ.સી. સંપૂર્ણપણે નકલી અને કોઈએ ડુપ્લીકેટ સર્ટિફિકેટ બનાવી તેમાં ખોટી સહીઓ પણ કરી: DEO એક્શન મોડમાં:સંબંધિત શાળાના આચાર્યને તાત્કાલિક અસરથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવા આદેશ આપ્યો

અમદાવાદ મનપાની ચૂંટણીમાં વિજેતા બનેલા કોંગ્રેસના એક ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવેલું લિવિંગ સર્ટિફિકેટ (LC) બોગસ હોવાનો સનસનાટીભર્યો ખુલાસો થયો છે. કુબેરનગર વોર્ડના કોર્પોરેટર સામે થયેલી ફરિયાદ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ સત્ય બહાર આવ્યું છે. આ ઘટનાએ રાજકીય આલમમાં ભારે ગરમાવો લાવી દીધો છે અને નૈતિકતા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

 

અમદાવાદના કુબેરનગર વિસ્તારના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર કલ્પનાબેન નવલેકર સામે બોગસ દસ્તાવેજો રજૂ કરવાનો ગંભીર આક્ષેપ થયો છે. ફરિયાદ મુજબ, કલ્પનાબેને કૃષ્ણનગરની એક શાળામાં અભ્યાસ કર્યો હોવાનું જણાવીને જી.આર. નંબર 1248 અને એલ.સી. નંબર 3194 ધરાવતું લિવિંગ સર્ટિફિકેટ ચૂંટણી દરમિયાન રજૂ કર્યું હતું. આ મામલે ચિરાગ શાહ નામના વ્યક્તિએ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, જેમાં દસ્તાવેજની સત્યતા તપાસવા માંગ કરવામાં આવી હતી.

 

DEO દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. શાળાના જી.આર. રજિસ્ટરની ચકાસણી કરતા માલૂમ પડ્યું કે જે જી.આર. નંબર પર કલ્પનાબેનનું નામ હોવાનો દાવો કરાયો હતો, તે નંબર પર હકીકતમાં અન્ય કોઈ વિદ્યાર્થીનું નામ નોંધાયેલું છે. આ પરથી સ્પષ્ટ થયું છે કે રજૂ કરાયેલું એલ.સી. સંપૂર્ણપણે નકલી છે અને કોઈએ ડુપ્લીકેટ સર્ટિફિકેટ બનાવી તેમાં ખોટી સહીઓ પણ કરી છે.

 

આ ગંભીર આક્ષેપો થતાની સાથે જ DEO એક્શન મોડમાં આવ્યા છે. તેમણે સંબંધિત શાળાના આચાર્યને તાત્કાલિક અસરથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવા આદેશ આપ્યો છે. બોગસ દસ્તાવેજોના આધારે ચૂંટણી લડવી એ કાયદાકીય ગુનો છે, ત્યારે હવે આગામી દિવસોમાં પોલીસ તપાસ બાદ કલ્પનાબેન નવલેકરની મુશ્કેલીઓ વધી શકે છે. આ કેસમાં પદ ગુમાવવાની પણ નોબત આવી શકે છે.

(9:14 PM IST)