<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

બોડકદેવ વિસ્તારમાંથી ઝડપાયો લાખોની કિંમતનો દારૃનો જથ્થો

હરિયાણાથી ટ્રોલી બેગમાં દારૃ લાવી અપાતો હતો અંજામ પિતા-પુત્રની જોડી કોઈને શંકા ન જાય તે રીતે હરિયાણાથી ટ્રોલી બેગમાં વિદેશી દારૃ છુપાવીને અમદાવાદ લાવતી હતી

અમદાવાદ : ગુજરાતમાં દારૃબંધીના કડક અમલ વચ્ચે અમદાવાદના સૌથી પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં આવેલા કરોડો રૃપિયાના એક આલીશાન બંગલામાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મોટા પાયે વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા હાઈપ્રોફાઈલ પિતા-પુત્રની જોડીને પોલીસે રંગેહાથ ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ આકસ્મિક રેડ દરમિયાન બંગલામાંથી કુલ રૃ.૮.૮૮ લાખની કિંમતનો વિદેશી દારૃનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી ૨૦૦ નંગ ઈંગ્લિશ દારૃની બોટલો, ૪૮ નંગ બિયરના ટીન અને તપાસના અર્થે ૨ મોબાઈલ ફોન સહિતનો તમામ મુદ્દામાલ પોતાના કબ્જામાં લીધો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ કિરણ ભાટિયા અને તેના પુત્ર કવિસ ભાટિયા તરીકે થઈ છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ નેટવર્કને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. આ પિતા-પુત્રની જોડી કોઈને શંકા ન જાય તે રીતે હરિયાણાથી ટ્રોલી બેગમાં વિદેશી દારૃ છુપાવીને અમદાવાદ લાવતી હતી.

 ત્યારબાદ આ લક્ઝુરિયસ બંગલામાંથી જ દારૃનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હતું. પોશ વિસ્તારના આ હાઈપ્રોફાઈલ દારૃના કારોબારનો પર્દાફાશ થતાં જ સ્થાનિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને પોલીસે આ રેકેટના અન્ય તાર મેળવવા તપાસ તેજ કરી છે.

(9:36 PM IST)