News of Wednesday, 29th April 2026
સુરતના સરથાણા નેચર પાર્કની શાન ગણાતા સિંહ ‘આર્ય’નું માંદગી કારણે મોત
કિડનીની બીમારી સામે જંગ ‘આર્ય’ હાર્યો : વસુધા સાથેની જોડી તૂટી; સિંહપ્રેમીઓમાં શોક

સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત દુઃખદ સમાચાર સવારે સામે આવ્યા છે. ઝૂનું મુખ્ય આકર્ષણ ગણાતા 9.5 વર્ષીય નર સિંહ 'આર્ય'નું કિડની ડિસફંક્શન (કિડની ફેલ્યોર)ને કારણે કરુણ મોત નિપજ્યું છે. આર્યના જવાથી સિંહણ વસુધા એકલી પડી ગઈ છે અને પાર્કના સ્ટાફ સહિત મુલાકાતીઓમાં પણ ગમગીની છવાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સિંહ ‘આર્ય’ને વર્ષ 2020 દરમિયાન છત્તીસગઢના નવા રાયપુર ખાતે આવેલા નંદનવન ઝૂ અને જંગલ સફારીથી સુરતના મહેમાન તરીકે લાવવામાં આવ્યો હતો. આશરે સાડા નવ વર્ષની ઉંમર ધરાવતો આ સિંહ સુરત નેચર પાર્કની શાન ગણાતો હતો. અહીં તેને સિંહણ ‘વસુધા’ સાથે રાખવામાં આવ્યો હતો, સરથાણા નેચર પાર્કમાં આ જોડી લાખો પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું
સરથાણા નેચર પાર્કમાં નર સિંહ 'આર્ય'ની તબિયત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતી. ખાસ કરીને 29 માર્ચ 2026થી તેની ગંભીરતાને જોતા મેડિકલ ચેકઅપ શરૂ કરાયું હતું. લોહીની તપાસમાં સીરમ ક્રિએટીનીનનું સ્તર સતત વધતું હોવાનું જણાયું હતું. રિપોર્ટના આધારે નિષ્ણાંતોએ નર સિંહ 'આર્ય'નું કિડનીની ગંભીર બીમારીનું નિદાન કર્યું હતું. તેને બચાવવા માટે સતત મોનિટરિંગ અને લાઈફ સેવિંગ ડ્રગ્સનો સહારો લેવાયો હતો.
તબીબોના જણાવ્યા અનુસાર, છેલ્લા એક સપ્તાહથી નર સિંહ 'આર્ય'ની હાલત વધુ કથળી હતી. તેણે સંપૂર્ણપણે ખોરાક લેવાનું બંધ કરી દેતા તે શારીરિક રીતે અશક્ત બની ગયો હતો. ઝૂના વેટરનરી ડોક્ટરો દ્વારા તેને ફ્લુઈડ થેરાપી (ગ્લુકોઝ) અને અન્ય ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી, પરંતુ આજે વહેલી સવારે અંદાજે નર સિંહ 'આર્ય'નું 6 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
નર સિંહ 'આર્ય' ના મોતના સમાચાર મળતા જ નેચર પાર્કનો સ્ટાફ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. છેલ્લા 6 વર્ષથી નર સિંહ 'આર્ય'ની સારસંભાળ રાખતા કિપર અને અધિકારીઓ માટે આ ક્ષણ ભાવુક હતી. વન્યજીવ પ્રેમીઓમાં પણ આ સમાચારને પગલે સોશિયલ મીડિયા પર દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે
(6:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
