<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

લીંબડી-ચોટીલા હાઇવે એલસીબીનો સપાટો : ઈંગ્લીશ દારૂ સહીત ₹1.26 કરોડના મુદામાલ સાથે ટ્રકચાલકને ઝડપી લીધો

રાસ્કા-બોડીયા ગામના પુલ પાસેથી પોલીસે એક ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 31,452 દારૂની બોટલો કબજે કરી છે. દારૂ સહિત કુલ ₹1,26,13,980નો મુદામાલ જપ્ત કર્યો

સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ લીંબડી-ચોટીલા નેશનલ હાઇવે પર રાસ્કા-બોડીયા ગામ નજીકથી ગેરકાયદેસર અંગ્રેજી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે. પોલીસે એક ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 31,452 દારૂની બોટલો કબજે કરી છે. દારૂ સહિત કુલ ₹1,26,13,980નો મુદામાલ જપ્ત કરાયો છે .

LCBની ટીમે લીંબડી-ચોટીલા હાઇવે પર રાસ્કા-બોડીયા ગામના પુલ પાસે ટ્રકને રોકી તપાસ કરી હતી. કન્ટેનરમાંથી ₹1,00,93,980 કિંમતનો અંગ્રેજી દારૂ, ₹25 લાખનો ટ્રક અને ₹20 હજારના બે મોબાઇલ ફોન મળ્યા હતા. આમ, કુલ ₹1.26 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

 

પોલીસે ટ્રક ચાલક જુંજારામ રીડમલરામ ગોદારા જાટ (રહે. પુરાવા ગામ, તા. ધોરીમના, જી. બાલોતરા, રાજસ્થાન)ને પકડ્યો છે. તેની સામે લીંબડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાથમિક તપાસમાં દારૂનો આ જથ્થો નાશિકથી મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ટ્રકના માલિક, નાશિકના રમેશકુમાર અને દારૂ મંગાવનાર અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે. આ સમગ્ર કેસના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

(8:28 PM IST)