તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
કૃતિકા નક્ષત્રમાં વીજળીના કડાકા સાથે માવઠું: આગામી ચોમાસું ધમાકેદાર રહેવાના શુકન
ભરણી નક્ષત્રનો દોષ નિવારશે ‘કૃતિકા’: હવામાન વિશ્લેષક વિશાલ પાનસૂરિયાએ નક્ષત્રના આધારે આપ્યા સારા વરસાદના સંકેત

રાજકોટ : ગુજરાતી લોકજીવનમાં ખેતી અને વરસાદનો સીધો સંબંધ નક્ષત્રો સાથે જોડાયેલો છે. પ્રાચીન કહેવતો અને જ્યોતિષીય ગણતરી મુજબ, ચાલુ વર્ષે નક્ષત્રોની ચાલ આગામી ચોમાસા માટે અત્યંત આશાસ્પદ ચિત્ર રજૂ કરી રહી છે. હવામાન વિશ્લેષક વિશાલ પાનસૂરિયાના જણાવ્યા અનુસાર, કૃતિકા નક્ષત્રમાં જોવા મળતી આકાશી હલચલ સારા વરસાદની એંધાણી આપી રહી છે.
કૃતિકા નક્ષત્ર: વરસાદ માટે ‘ગોલ્ડન સિગ્નલ’
લોકવાયકા મુજબ, જો કૃતિકા નક્ષત્રમાં વીજળીના ઝબકારા થાય, વરસાદના છાંટા પડે કે માવઠું થાય, તો તે આગામી ચોમાસા માટે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. વિશાલ પાનસૂરિયા જણાવે છે કે, આ નક્ષત્રમાં થતી પ્રી-મોન્સૂન એક્ટિવિટી એ સંકેત આપે છે કે આવનારું ચોમાસું ખેડૂતો માટે ખુશાલી લઈને આવશે.
ભરણી નક્ષત્રનો દોષ ધોવાશે
સામાન્ય રીતે ભરણી નક્ષત્રમાં વરસાદ પડે તો તેને આગામી ચોમાસા માટે અશુભ માનવામાં આવે છે અને તેનાથી ચોમાસું બગડવાની ભીતિ રહે છે. પરંતુ, શાસ્ત્રો અને કહેવતો મુજબ:
જો ભરણી બાદ કૃતિકા નક્ષત્રમાં વરસાદ કે વીજળી થાય, તો ભરણી નક્ષત્રનો તમામ દોષ ધોવાઈ જાય છે.
આગળના ત્રણેય નક્ષત્રોની નકારાત્મક અસર નાબૂદ થાય છે.
કૃતિકાના શુકન મળતા જ ચોમાસું નિયમિત અને મન મૂકીને વરસે તેવી માન્યતા પ્રબળ બને છે.
ખેડૂતોમાં આનંદની લહેર
હવામાન સમાચાર આપતા વિશાલ પાનસૂરિયા ઉમેરે છે કે, હાલની પરિસ્થિતિ જોતા જો કૃતિકામાં માવઠું થાય તો તે કોઈ કુદરતી આપત્તિ નહીં પણ સારા વરસાદનું ‘સિગ્નલ’ ગણવું જોઈએ. આ ગણતરી જો સાચી ઠરે તો ગુજરાતમાં આગામી ચોમાસું સોળ આની વરસે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
