<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

આગામી 3 કલાક દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા: હવામાન વિભાગની 'નાઉકાસ્ટ' ચેતવણી જાહેર

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાવાની સંભાવના

અમદાવાદ :હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા આજ રોજ 'નાઉકાસ્ટ' ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ આગાહી મુજબ, આગામી 3 કલાક દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હળવા વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં તેમજ દીવ, ડાંગ, વલસાડ, દમણ, તથા દાદરા અને નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીમાં 5 મિમી/કલાકથી ઓછો હળવો વરસાદ પડવાની શક્યતા છે.સાથે જ, ગાજવીજની શક્યતા રહેલી છે, જેમાં પવનની મહત્તમ ગતિ 40 કિમી/કલાકથી ઓછી રહેવાનો અંદાજ છે. વીજળી પડવાની સંભાવના ખૂબ જ ઓછી એટલે કે 30% થી પણ ઓછી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, રાજ્યમાં હાલ બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ કુલ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમની અસર હેઠળ આગામી 5 જૂન સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી બે દિવસ સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે, જેના કારણે તંત્ર દ્વારા સતર્કતા રાખવા સૂચના આપવામાં આવી છે.

(9:28 PM IST)