તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Monday, 1st June 2026
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સ્પોર્ટ્સ ક્લબને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભરી ચિઠ્ઠી મળતાં ખળભળાટ
નવરંગપુરા પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે દોડી સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પલેક્સને ખાલી કરાવી દેવાયુ : સઘન તપાસ

અમદાવાદ શહેરમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાં પોલીસ તંત્ર અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. શહેરના પોશ ગણાતા નવરંગપુરા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત સ્પોર્ટ્સ ક્લબ (સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ) ને બોમ્બથી ઉડાવી દેવાની લિખિત ધમકી મળતાં સમગ્ર પરિસરમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો.
આ સનસનાટીભરી ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે ક્લબના કર્મચારીઓને ચેકિંગ દરમિયાન રૂમ નંબર 119માં આવેલા એક લોકરમાંથી એક અજાણી ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીને ખોલીને વાંચતા જ સ્ટાફના હોશ ઉડી ગયા હતા, કારણ કે તેમાં ક્લબને બોમ્બથી ઉડાવી દેવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ક્લબના સંચાલકોએ મોડું કર્યા વિના આ અંગે તાત્કાલિક કંટ્રોલ રૂમ દ્વારા પોલીસને જાણ કરી હતી.
ધમકીની જાણ થતાં જ નવરંગપુરા પોલીસ, બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે ધસી આવી હતી. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે સમગ્ર સ્પોર્ટ્સ કોમ્પલેક્સને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને એન્ટ્રી ગેટ બંધ કરી દેવાયા હતા. હાલમાં પોલીસ દ્વારા ક્લબના ખૂણે-ખૂણાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે, તેમજ લોકર સુધી આ ચિઠ્ઠી કોણે પહોંચાડી તે જાણવા માટે ત્યાંના સીસીટીવી (CCTV) ફૂટેજ ફંગોળવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
