તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd July 2026
નર્મદા જિલ્લામાં લેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઇન :આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ઘરે-ઘરે ફરીને કુલ ૪,૮૭૨ શંકાસ્પદ લેપ્રસીના સંભવિત લક્ષણો ધરાવતા વ્યક્તિઓની શોધખોળ
ઝુંબેશ અંતર્ગત જિલ્લામાંથી ૭૪ નવા દર્દીઓ શોધી સારવાર શરૂ કરાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા :આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લામાં ગત તા. ૦૮/૦૬/૨૦૨૬ થી તા.૩૦/૦૬/૨૦૨૬ દરમિયાન 'લેપ્રસી કેસ ડીટેકશન કેમ્પેઇન' યોજવામાં આવ્યું હતું. આ અભિયાનનો હેતુ જિલ્લાના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચીને રક્તપિત્તના દર્દીઓનું વહેલામાં વહેલું નિદાન કરવું અને તેમને સમયસર સારવાર પૂરી પાડીને વિકલાંગતાથી બચાવવાનો છે.
આ ઝુંબેશ અંતર્ગત જિલ્લાના વિવિધ ગામોમાં આરોગ્ય વિભાગની ૭૧૮ પ્રશિક્ષિત ટીમો દ્વારા ઘરે-ઘરે ફરીને સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વે દરમિયાન ટીમો દ્વારા કુલ ૪,૮૭૨ શંકાસ્પદ લેપ્રસીના સંભવિત લક્ષણો ધરાવતા વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી હતી, જેમાંથી ઝીણવટભરી તબીબી તપાસ બાદ કુલ ૭૪ રક્તપિત્તના દર્દીઓ કન્ફર્મ થયા છે. આ નવા દર્દીઓમાં ૩૯ એમ.બી. ચેપી પ્રકારના, ૩૫ પી.બી. બિન-ચેપી પ્રકારના અને ૨ બાળ દર્દીઓનો સમાવેશ થાય છે. સર્વે દરમિયાન મળી આવેલા આ તમામ દર્દીઓની એમ.ડી.ટી. સારવાર તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવી છે, જેની સાથે જ ચાલુ વર્ષમાં જિલ્લામાં કુલ ૧૨૫ દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.
જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સામાન્ય નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે જો શરીરમાં કોઈ પણ જગ્યાએ સંવેદના વિનાના સફેદ અથવા લાલ ડાઘ, હાથ કે પગમાં ઝણઝણાટી અથવા સુન્નપણું, નસો જાડી લાગવી અથવા હાથ-પગમાં નબળાઈ જેવા લક્ષણો જણાય, તો ગભરાયા વગર તરત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા સ્થાનિક આશા કાર્યકરનો સંપર્ક કરવો જોઈએ જેથી રોગને વધતો અટકાવી શકાય.
સરકાર દ્વારા રક્તપિત્ત મલ્ટી ડ્રગ થેરાપી સારવાર તમામ સરકારી હોસ્પિટલો અને આરોગ્ય સંસ્થાઓમાં સંપૂર્ણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેના સમયસર ઉપયોગથી શારીરિક વિકલાંગતા અટકાવી શકાય છે અને દર્દી સામાન્ય સ્વસ્થ જીવન જીવી શકે છે. આ વિશેષ કેમ્પેઇન પૂર્ણ થયા બાદ પણ આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત રૂટીન સર્વે અંતર્ગત રક્તપિત્તના શંકાસ્પદ દર્દીઓને શોધવાની અને તેમને સાજા કરવાની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
