<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

પત્‍ની સ્‍વેચ્‍છાએ પતિનું ઘર છોડી જાય ત્‍યારે કાયદાકીય રીતે ભરણપોષણની હકદાર નહીં

ભરણપોષણનો આદેશ રદ કરતા ફેમિલી કોર્ટના ચુકાદા સામેની રિવિઝન અરજી હાઈકોર્ટે ફગાવી

અમદાવાદઃ તા.૨૫: એક અત્‍યંત મહત્ત્વપૂર્ણ ચુકાદામાં હાઇકોર્ટે ઠરાવ્‍યું છે કે પત્‍ની (જીવનસાથી) કોઇપણ વાજબી કારણ વિના સ્‍વેચ્‍છાએ પતિનું ઘર છોડી જાય ત્‍યારે એ કિસ્‍સામાં કાયદાકીય રીતે પત્‍ની ભરણપોષણ મેળવવાની હકદાર રહેતી નથી. આવા કિસ્‍સામાં પતિની ચૂકવણી કરવાની ક્ષમતાને ધ્‍યાનમાં લીધા વિના નિર્ણય લઇ શકાય છે.

આ મામલે નડિયાદની ફેમિલી કોર્ટે પત્‍નીને વચગાળાના ભરણપોષણ પેટે રૂ. ૧૦ હજાર આપવાના આદેશને રદબાતલ કર્યો હતો અને પત્‍નીને દંડ પણ કર્યો હતો. તેથી એની સામે પત્‍નીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્‍યા હતા અને રિવિઝન અરજી દાખલ કરી હતી. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્‍થિત કર્યા હતા કે પતિ અને તેના કુટુંબ તરફથી તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. તેની પાસે દહેજની માગ પણ કરવામાં આવી હતી અને દહેજની રકમ નહીં આપી શકતા ઘરમાંથી કાઢી મૂકી હતી. પતિની આવક સારી છે અને તેથી તેને ભરણપોષણની ચૂકવણી થવી જોઈએ. ફેમિલી કોર્ટે કેસના ગુણદોષનું યોગ્‍ય મૂલ્‍યાંકન કર્યા વિના ભરણપોષણનો આદેશ રદ કર્યો છે.

જોકે, આ કેસમાં ઊલટી ગંગા જેવો ઘાટ સામે આવ્‍યો હતો. જેમાં હાઈકોર્ટે આદેશમાં નોંધ્‍યું હતું કે, પત્‍ની દ્વારા ક્રૂરતા અને દહેજ અંગેના જે આક્ષેપો કરવામાં આવ્‍યા છે એના કોઈ મજબૂત અને ટકી શકે એવા પુરાવા જણાયા નહોતા. ઊલટાનું સંબંધિત કોર્ટે આ આક્ષેપોમાંથી પતિ અને એના કુટુંબને નિર્દોષ મુક્‍ત કર્યા હતા. જેની સામે પત્‍નીએ કોઈ અપીલ દાખલ કરી નહોતી.

કોર્ટે નોંધ્‍યું હતું કે, પત્‍નીના ભરણપોષણ અંગેના દાવાનો આધાર એ છે કે તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. તેની સાથે ક્રૂરતા આચરવામાં આવતી હતી અને દહેજ માટે ત્રાસ અપાતો હતો. પરંતુ તેને પુરવાર થયું નથી. તેનાથી વિપરીત એવું જણાયું છે કે પત્‍નીએ સ્‍વેચ્‍છાએ અને કોઈ પણ વાજબી કારણ વિના પતિનું ઘર છોડયું હતું. આવા સંજોગોમાં ભરણપોષણના વધારાનો કોઈ સવાલ પેદા થતો નથી. જ્‍યારે કોઈ પત્‍ની પોતાની મરજીથી, કોઈ કારણ વિના પતિના ઘરમાંથી નીકળી જાય ત્‍યારે કાયદાના પ્રસ્‍થાપિત સિદ્ધાંત મુજબ તે ભરણપોષણની હકદાર રહેતી નથી. ભલે પતિની ચૂકવણીની ક્ષમતા હોય.

હાઈકોર્ટે આ મામલે ફેમિલી કોર્ટના આદેશમાં હસ્‍તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો અને એને રદ કરવાની પત્‍નીની રિવિઝન અરજી ફગાવી હતી. કોર્ટે નોંધ્‍યું હતું કે ફેમિલી કોર્ટના આદેશમાં કોઈ ગેરરીતિ, ગેરકાયદેસરતા કે સત્તા સંબંધિત ભૂલ જણાતી નથી. તેથી તેમાં કોઈ પણ પ્રકારના હસ્‍તક્ષેપ કરવાનું ઉચિત જણાતું નથી. પરિણામે રિવિઝન અરજી રદ કરવામાં આવે છે અને ફેમિલી કોર્ટના હુકમને બહાલ રાખવામાં આવે છે. અલબત્ત કોર્ટે એવી સ્‍પષ્ટતા પણ કરી છે કે આ અવલોકનો માત્રને માત્ર રિવિઝન અરજી પુરતા મર્યાદિત રહેશે અને પક્ષકારો વચ્‍ચે અન્‍ય કોઈ કાનૂની પ્રક્રિયામાં બાધક બનશે નહીં

(11:18 AM IST)