<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી પૂર્વે કાયદાકીય જંગ તેજઃ હાઈકોર્ટમાં અરજીઓનો મારો

રાજ્‍યના વિવિધ વિસ્‍તારોમાંથી ચૂંટણી પ્રક્રિયા, ઉમેદવારી અને આક્ષેપોને લઈને હાઈકોર્ટમાં અરજીઓનો સિલસિલો શરૂ : ભાવનગર, વડોદરા અને દાહોદ જેવા જિલ્‍લાઓમાંથી નોંધાયેલા કેસો હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે

અમદાવાદ,તા.૨૩: ગુજરાતમાં આવનારી સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, પરંતુ આ વખતે રાજકીય ટકરાવ માત્ર પ્રચાર પૂરતો સીમિત રહ્યો નથી. ઉમેદવારો અને પક્ષો વચ્‍ચેના વિવાદો હવે કાયદાકીય મંચ સુધી પહોંચી ગયા છે. રાજ્‍યના વિવિધ વિસ્‍તારોમાંથી ચૂંટણી પ્રક્રિયા, ઉમેદવારી અને આક્ષેપોને લઈને હાઈકોર્ટમાં અરજીઓનો સિલસિલો શરૂ થયો છે. ભાવનગર, વડોદરા અને દાહોદ જેવા જિલ્‍લાઓમાંથી નોંધાયેલા કેસો હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે.

ખાસ કરીને ભાવનગરનો મામલો રાજકીય અને કાયદાકીય રીતે વધુ સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે. અહીં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા અને હરદેવસિહ સામે નોંધાયેલી પોલીસ ફરિયાદને પડકારતી અરજી હાઈકોર્ટમાં દાખલ થઈ છે. ફરિયાદી શૈલેષભાઈએ આક્ષેપ કર્યો છે કે, તેમના ભાઈ ભરતને કોંગ્રેસ તરફથી ટિકિટ અપાઈ હોવા છતાં તેઓ ચૂંટણી લડવા ઇચ્‍છતા નહોતા, છતાં તેમને બળજબરીથી ફોર્મ ભરાવવામાં આવ્‍યું હતું. આક્ષેપોમાં અપહરણ જેવી ગંભીર બાબતોનો પણ સમાવેશ થાય છે. આ મામલે હાઈકોર્ટે પ્રાથમિક રીતે પક્ષકારોને નોટિસ જારી કરી છે અને વચગાળાની રાહત આપતા આરોપીઓ સામે તાત્‍કાલિક કડક પગલાં ન લેવા સૂચના આપી છે. આ નિર્ણયથી કેસને વધુ વજન મળ્‍યું છે અને આગળની સુનાવણી મહત્‍વપૂર્ણ બની છે.

વડોદરાના ડભોઈ તાલુકા પંચાયત વિસ્‍તારમાં વિવાદ ઊભો થયો છે. અહીં આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચ્‍યા બાદ કોંગ્રેસના ત્રણ ઉમેદવારો સહિત કુલ સાત વ્‍યક્‍તિઓ સામે એટ્રોસિટી એક્‍ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. ઉમેદવારનો આરોપ છે કે, તેમને જાતિ આધારિત અપમાન અને ધમકી આપવામાં આવી હતી. જોકે, આરોપીઓએ આ આક્ષેપોને નકારી કાઢીને ફરિયાદને પાયાવિહોણી ગણાવી છે અને તેને રદ કરવા હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્‍યો છે.

દાહોદ જિલ્‍લામાં પણ એક અલગ પ્રકારનો વિવાદ સામે આવ્‍યો છે. કાલીમહુડી ગામના સરપંચ અને અન્‍ય એક વ્‍યક્‍તિ સામે મારામારીનો કેસ નોંધાયો હતો. નીચલી અદાલતે જામીન અરજી ફગાવ્‍યા બાદ આરોપીઓએ હાઈકોર્ટમાં રાહત માટે અરજી કરી છે. આ કેસમાં હાઈકોર્ટ શું નિર્ણય લે છે તે મહત્‍વપૂર્ણ રહેશે.

આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી હવે માત્ર રાજકીય જંગ નથી રહી, પરંતુ કાયદાકીય લડાઈનું સ્‍વરૂપ પણ ધારણ કરી રહી છે. પક્ષપલટા, આક્ષેપો અને પ્રતીઆક્ષેપોની વચ્‍ચે કોર્ટ કેસોની સંખ્‍યા વધી રહી છે, જે ચૂંટણીના વાતાવરણને વધુ જાટિલ બનાવી રહી છે. આગામી દિવસોમાં હાઈકોર્ટ દ્વારા લેવાયેલા નિર્ણયો ચૂંટણીના રાજકીય સમીકરણો પર સીધી અસર કરી શકે છે. પરિણામ જાહેર થાય તે પહેલાં જ કાયદાકીય લડાઈનું આ તબક્કો મહત્‍વપૂર્ણ સાબિત થઈ શકે છે.

(3:53 PM IST)