<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

ભેળસેળ, પ્રદૂષણ, ભાવવધારો અને ટ્રાફિકની સમસ્‍યા ઉકેલવાનું નેતાઓ નામ પણ લેતા નથી

ઉમેદવારો નાગરિકોની મૂળભૂત સમસ્‍યાઓ ઉકેલવાના વચનથી દૂર રહ્યા

અમદાવાદ,તા.૨૧: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીઓના મતદાનને હવે છ દિવસ બાકી રહ્યા છે. અને પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. તેની વચ્‍ચે રાજકીય પક્ષો પોતપોતાના એજન્‍ડા અને મોટાભાગે હરીફ પક્ષને નિશાન બનાવીને પ્રચાર કરતા જોવા મળે છે પરંતુ ખાસ કરીને મહાનગરો સહિતના નાગરિકોની જે સમસ્‍યા છે તેના મુદ્દે જવલ્‍લે જ ઉલ્‍લેખ કરતા હોવાની લાગણી મતદારોમાં ઊભી થવા પામી છે. ખાસ કરીને સામાન્‍ય-મધ્‍યમ વર્ગને સ્‍પર્શતો ચીજવસ્‍તુઓમાં બેફામ ભાવ વધારો, ખાદ્ય ચીજોમાં બેરોકટોક ભેળસેળ, વધતું પ્રદૂષણ, મહેસૂલ-ગૃહ સહિતના વિભાગોમાં ભ્રષ્ટાચાર અને ટ્રાફિકની સમસ્‍યા સહિત અનેક એવા મુદ્દાઓ છે જેમાં ઉમેદવારો કે પક્ષના નેતાઓ કોઈ વચન આપવાનું ટાળી રહ્યા છે.

સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણીઓ એટલે સ્‍થાનિક પ્રશ્નો ઉકેલાય તેવી શાસન વ્‍યવસ્‍થા મતદારોને મળે જેમાં લોકભાગીદારી પણ હોવી જોઈએ. જો કે પક્ષીય રાજકારણમાં નાગરિકોની મૂળભૂત સમસ્‍યાઓનો છેદ ઉડાવી દઈને નળ-ગટર રસ્‍તાના મૂળભૂત કરવા પડે તેવા વિકાસકામોને આગળ ધરવા તેમજ સ્‍થાનિકના બદલે રાજ્‍ય સ્‍તરના અને રાષ્ટ્રીય મુદ્દાઓ મુદ્દાઓ ઉઠાવાઈ રહ્યા છે. શહેરોમાં પ્રદૂષણના કારણે બાળકો, વરિષ્ઠ નાગરિકો અને સગર્ભાઓ સહિતના નાગરિકોને દિનપ્રતિદિન વિપરીત અસર થઈ રહી છે તેનો ઉકેલ કેવી રીતે લવાશે તેની કોઈ માહિતી મતદારોને અપાઈ રહી નથી. ખાદ્યચીજ વસ્‍તુમાં કેન્‍સરને નોતરે તેટલી હદે ભેળસેળ કરાઈ રહી નથી પરંતુ તેને નાબૂદ કરાશે તેની ડેડલાઈન શાસક પક્ષ પણ નથી આપતો કે વિપક્ષો પણ તેનો ઉલ્‍લેખ કરતા નથી. ધીમે પગલે દર મહિને જીવન જરૂરિયાતની ચીજ વસ્‍તુઓમાં થતા સતત વધારાના કારણે સામાન્‍ય અને મધ્‍યમ વર્ગ ઉપર ભારણ પડ્‍યા જ કરે છે તેમાં ભાવબાંધણું કરાશે કે ફક્‍ત અંત્‍યોદય, બીપીએલને જ નહીં પરંતુ જે વર્ગને જોઈએ તેમને પણ રેશનિગની દુકાનદાર પરથી ગુણવત્તાવાળી આવશ્‍યક ચીજ વસ્‍તુ મળી રહેશે તેવી વ્‍યવસ્‍થાનો વાયદો થતો નથી.

અમદાવાદ જેવા મુખ્‍ય શહેરમાં લગભગ તમામ વિસ્‍તારમાં પહેલા ફક્‍ત ચોમાસામાં જ માર્ગ ઉપર ખાડા જોવા મળતા હતા તે હવે બારમાસી થઇ ગયા છે. અમદાવાદમાં ટ્રાફિકની સ્‍થિતિ ઉપર કોઈનું નિયંત્રણ ન હોય તેવી સ્‍થિતિ છે. આવા મુદ્દાઓને ઉકેલવાની ઉમેદવારો કે તેમના નેતાઓ દ્વારા કોઈ ખાતરી ન મળતા મતદારો નિરાશ અને નિરસ હોય તેવી સ્‍થિતિ છે

સ્‍થાનિક મુદ્દાઓ વિના જ સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી

જનતાને ગેરમાર્ગે દોરવા માટે રાજ્‍ય અને રાષ્ટ્રીય સ્‍તરના મુદ્દા ઉઠાવાય છે

 

(10:18 AM IST)