તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 18th May 2026
સુરતમાં કાયદો-વ્યવસ્થા કથળી : લીંબાયતના ધારાસભ્યના નજીકના મહિલા અગ્રણીના પુત્ર અને ભાજપ યુવા મોરચાના હોદ્દેદારની કરપીણ હત્યા
ઉધના રોડ પર જાહેરમાં તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી જય દલાલને મોતને ઘાટ ઉતારાયો : રાજકીય વર્તુળો સ્તબ્ધ : હત્યારાઓને ફાંસી આપવાની ઉગ્ર માગ સાથે પરિવારમાં કાળો આક્રંદ

સુરત: સત્તાધારી પક્ષના જ એક સક્રિય યુવા નેતાની સરેઆમ ક્રૂર હત્યા કરી દેવાતા સુરત મહાનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે કથળી હોવાની ચર્ચા સાથે ભારે સનસનાટી મચી ગઈ છે. ભાજપ સંગઠન સાથે જોડાયેલા અને ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવતા જય દલાલ પર ઉધના રોડ નંબર 6 ખાતે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો છે. ધોળાદિવસે બનેલી આ લોહિયાળ ઘટનાને પગલે સમગ્ર શહેરના રાજકીય આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ધારાસભ્યના નજીકના મહિલા અગ્રણીનો પુત્ર હતો મૃતક:
મળતી માહિતી અનુસાર, આ ખૂની ખેલમાં ભોગ બનનાર યુવક જય દલાલ સુરતના લીંબાયત વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલની અત્યંત નજીક ગણાતા જાણીતા મહિલા અગ્રણી જયશ્રીબેન દલાલનો પુત્ર હતો. જય દલાલ પોતે પણ ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં નાની ઉંમરથી જ ભારે સક્રિય હતો અને હાલમાં તે ડીંડોલી વોર્ડ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પક્ષની મહત્વની જવાબદારી સંભાળી રહ્યો હતો. સત્તાધારી પક્ષના જ હોદ્દેદારની ધોળાદિવસે જાહેરમાં હત્યા થતાં સુરત શહેર ભાજપ સહિતના રાજકીય વર્તુળોમાં ભારે સ્તબ્ધતા સાથે ખળભળાટ મચી ગયો છે.
પરિવારમાં આક્રંદ - ફાંસીની સજાની માંગ:
આ અણધારી આફતથી જય દલાલના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને પરિજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોધાર આંસુએ રડી રહેલા પરિવારજનોએ આ નૃશંસ હત્યાકાંડને અંજામ આપનારા નરાધમ હત્યારાઓને વહેલામાં વહેલી તકે પકડી પાડીને ફાંસીની સજા આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે.
પોલીસ કાફલો ઘટનાસ્થળે - તપાસના ચક્રો ગતિમાન:
ભરે બપોરે બનેલી આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દીધી છે. આ ક્રૂર હત્યાકાંડ પાછળનું ચોક્કસ કારણ અને હત્યારાઓ કોણ હતા તે દિશામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. જોકે, સુરત જેવા મહાનગરમાં ધોળાદિવસે નેતાઓ પણ સુરક્ષિત ન હોવાની આ ઘટનાએ સામાન્ય જનતાની સુરક્ષા સામે પણ અનેક ગંભીર પ્રશ્નાર્થો ઉભા કર્યા છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
