<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

રાજયમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : મુદત લંબાવવા માંગણી

અત્યાર સુધીમાં 2,09,482 ફોર્મ ભરાયા: સ્થાનિક ચૂંટણીને લીધે વાલીઓને જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવામાં ભારે મુશ્કેલી

અમદાવાદ :રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) અંતર્ગત ગુજરાતની ખાનગી સ્કૂલોમાં મફત પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત આજે 17 એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહી છે. જોકે, સ્થાનિક ચૂંટણીને લીધે વાલીઓને જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવામાં ભારે મુશ્કેલી પડતી હોવાથી, અરજી કરવાની મુદત લંબાવવાની માંગ ઉઠી છે.

 

રાજ્યની 9,722 જેટલી ખાનગી શાળાઓમાં 84 હજાર કરતા વધુ બેઠકો પર પ્રવેશ આપવા માટે ગત 4 એપ્રિલથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 2,09,482 ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે. ગત વર્ષે રાજ્યભરમાંથી કુલ 2,38,942 વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા હતા, તેથી છેલ્લા દિવસે ફોર્મ ભરવામાં ભારે ધસારો જોવા મળી શકે છે.

 

RTE અંતર્ગત પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીના પ્રમાણપત્ર, નોન ક્રિમીલેયર સર્ટિફિકેટ, અને આવકનો દાખલો જેવા ડોક્યુમેન્ટ્સ કઢાવવા પડે છે. પરંતુ હાલમાં ચૂંટણી પ્રક્રિયા નિરંતર ચાલી રહી હોવાથી મોટાભાગના સરકારી અધિકારીઓ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત છે.

આ કારણોસર વાલીઓને ડોક્યુમેન્ટ્સ કઢાવવામાં ઘણો વિલંબ થઈ રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુથ કોંગ્રેસ તેમજ વાલીઓ દ્વારા ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દર વર્ષે મુદત લંબાવાતી હોવાથી આ વખતે પણ મુદતમાં વધારો થવાની શક્યતા છે.

 

ઉમેદવારોની ઓનલાઈન અરજી સ્વીકાર્યા બાદ, વિવિધ જિલ્લા કક્ષાએ તે અરજીઓ અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સેન્ટ્રલાઈઝ્ડ રીતે પ્રવેશ ફાળવવામાં આવશે. પ્રવેશ એલોટ થયા અંગેની જાણકારી દરેક વાલીના નોંધાયેલા મોબાઇલ નંબર પર મેસેજ (SMS) દ્વારા આપવામાં આવશે.

(12:02 PM IST)