તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
વડોદરાના પોર ગામ નજીક રમણ ગામડી GIDCમાં શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો
એક જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ગાયના ઘીના અલગ-અલગ નમૂના :નમૂનાઓની ગુણવત્તા, તેમાં વપરાયેલા ઘટકો અને ઉત્પાદન પ્રક્રિયા અંગે સ્પષ્ટતા જરૂરી

વડોદરા જિલ્લાના પોર ગામ નજીક આવેલી રમણ ગામડી GIDCમાં ચાલીસા ફૂડના નામે કાર્યરત યુનિટમાં તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. અહીં લૂઝ ઘી લાવીને વિવિધ બ્રાન્ડના નામે પેકિંગ કરવામાં આવતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઓપરેશન અન્ન અંતર્ગત વડોદરાના પોર ગામની રમણ ગામડી GIDCમાં આવેલા ચાલીસા ફૂડ યુનિટમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીમાં 10 હજારથી વધુ ઘીનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. જોકે, આ જથ્થો કયા એકમમાં છે તેની સ્પષ્ટતા થઈ નથી. આટલા મોટા પ્રમાણમાં ઘીનો સંગ્રહ અને તેના પેકિંગ અંગે અનેક સવાલો ઊભા થયા છે.
સૌથી ચોંકાવનારી બાબત એ છે કે યુનિટમાં બહારથી લૂઝ ઘી લાવીને તેને વિવિધ બ્રાન્ડના નામે પેક કરવામાં આવતું હોવાની આશંકા છે. જો આ બાબત સાચી સાબિત થાય તો ગ્રાહકોને વેચાતા ઘીની ગુણવત્તા અને બ્રાન્ડની વિશ્વસનીયતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે.
તપાસ દરમિયાન એક જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ગાયના ઘીના અલગ-અલગ નમૂના જોવા મળ્યા હતા. આ નમૂનાઓની ગુણવત્તા, તેમાં વપરાયેલા ઘટકો અને ઉત્પાદન પ્રક્રિયા અંગે સ્પષ્ટતા જરૂરી બની છે. ઘી રોજિંદા ખોરાકમાં ઉપયોગમાં લેવાતો મહત્વપૂર્ણ ખાદ્ય પદાર્થ છે. જો તેની ગુણવત્તામાં કોઈ ગેરરીતિ હોય તો તે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આવા સંજોગોમાં ઉત્પાદન પ્રક્રિયા, પેકિંગ અને ગુણવત્તાના ધોરણોની યોગ્ય ચકાસણી અત્યંત જરૂરી છે.
ઓપરેશન અન્ન અંતર્ગત ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે સતત સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. વડોદરાના આ યુનિટમાં સામે આવેલી બાબતોની સત્તાવાર તપાસ થાય અને શંકાસ્પદ ઘીના નમૂનાઓની યોગ્ય ચકાસણી કરવામાં આવે તે મહત્વનું બની રહેશે.
(11:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
