તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
અડાલજ ખાતે ‘મહેસૂલ ચિંતન શિબિર’ અંતર્ગત જમીન સુધારણા અને વહીવટી પારદર્શિતા માટે સાત વિવિધ વિષયો પર ગહન જૂથ ચર્ચા યોજાઈ
અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી એસ. રવિની ઉપસ્થિતિમાં મહેસૂલી સેવાઓને વધુ લોકાભિમુખ કરવા મનોમંથન કરવામાં આવ્યું

ગાંધીનગર :મહેસૂલ વિભાગની કાર્યપદ્ધતિને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવાના આશય સાથે અડાલજ ત્રિમંદિરના અંબા બિઝનેસ પાર્ક ખાતે ‘મહેસૂલ ચિંતન શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરના દ્વિતીય દિને રાજ્યના મહેસૂલ ક્ષેત્રના નિષ્ણાતો અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા સાત વિવિધ જૂથોમાં વહેંચાઈને જમીન વહીવટ અને નાગરિક સુવિધાઓ અંગે એક્શન સેમિનાર અને ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
ચિંતન શિબિરમાં અધિક મુખ્ય સચિવ ડૉ.જયંતી એસ. રવિની ઉપસ્થિતિમાં પ્રથમ જૂથ દ્વારા ILA મારફતે જમીનના ઉપયોગ (CLU) માં ફેરફાર અને મ્યુટેશન જેવી પ્રક્રિયાઓને ઓપ્ટિમાઇઝ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જ્યારે બીજા જૂથે પેપરલેસ અને ફેસલેસ પ્રોપર્ટી રજિસ્ટ્રેશન સિસ્ટમ તથા RCCMS ને વધુ આગળ વધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ત્રીજા જૂથ દ્વારા કાર્યક્ષમ શહેરી જમીન રેકોર્ડ વ્યવસ્થાપન અને શાસન અંગે ચર્ચા કરવામાં આવી હતી, તો ચોથા જૂથે મહેસૂલ શાસનમાં પ્રામાણિકતા અને નીતિશાસ્ત્રના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આ ઉપરાંત, પાંચમા જૂથ દ્વારા સર્વેક્ષણ અને પુનઃસર્વેક્ષણ પ્રક્રિયાનું આધુનિકીકરણ, છઠ્ઠા જૂથ દ્વારા સરકારી કર્મચારીઓ માટે અદ્યતન વ્યૂહરચનાઓ અને આપત્તિ તૈયારી તેમજ સાતમા જૂથ દ્વારા જમીન સંપાદન અને જમીન ફાળવણી પ્રક્રિયામાં રહેલા પડકારો અને સુધારા અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા.
આ સમૂહ ચર્ચામાં મહેસૂલી કાર્ય પદ્ધતિને આધુનિકતા સાથે વધુ સુગ્રથિત અને સુદ્રઢ કરી શકાય તે માટે મનોમંથન કરવામાં આવ્યું હતું. તેના પરિણામ સ્વરૂપે તમામ સમૂહોએ વિષય અંગેની નિયમિત કાર્ય પદ્ધતિ, તેમાં જરૂરી સુધારા અને તે અંગેના સૂચનો રજૂ કર્યા હતા.
આ શિબિરના નિષ્કર્ષો આગામી સમયમાં મહેસૂલી સેવાઓને વધુ લોકાભિમુખ બનાવવામાં મદદરૂપ થશે. આ કાર્યક્રમમાં વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા
(9:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
