તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
વડોદરામાં નામ બદલીને મુસ્લિમ યુવતી સાથે દુષ્કર્મ આચરનાર જમીન દલાલ સુનીલ મહીડાની ધરપકડ; બનાવટી ઓળખ અને ગર્ભપાત કરાવ્યાના ગંભીર આક્ષેપો
ખોટી ઓળખ આપી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરનાર આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર

વડોદરા :વડોદરા શહેરમાં ઓળખ છુપાવી મુસ્લિમ યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. જમીન દલાલ સુનીલ મહીડાએ પોતાનું નામ સમીર ઉસ્માનમિયા હોવાનું જણાવી યુવતી સાથે સંબંધ બાંધ્યા હોવાનો આક્ષેપ છે. એટલું જ નહીં, લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું અને યુવતી બે વખત ગર્ભવતી બનતા બંને વખત ગર્ભપાત કરાવ્યો હોવાનો પણ આરોપ છે. હાલ યુવતી ફરી ગર્ભવતી હોવાનું સામે આવતા સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાંથી સામે આવેલી આ ફરિયાદે અનેક સવાલો ઉભા કર્યા છે. ફરિયાદ મુજબ, જમીન દલાલ તરીકે કામ કરતા સુનીલ મહીડાએ પોતાની સાચી ઓળખ છુપાવી અને સમીર ઉસ્માનમિયા નામ ધારણ કર્યું હતું. આ માટે તેણે સમીર ઉસ્માનમિયા નામનું ઓળખપત્ર પણ બનાવ્યું હોવાનો આક્ષેપ છે. યુવતી સાથે ઓળખાણ થયા બાદ લગ્ન કરવાની લાલચ આપી અકોટા, ગોત્રી અને ભાયલી વિસ્તારની અલગ-અલગ હોટલોમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો આરોપ છે.
ફરિયાદમાં વધુ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, યુવતી બે વખત ગર્ભવતી બની હતી અને બંને વખત તેનો ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. હાલમાં પણ યુવતી ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે, અને જ્યારે યુવતીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે આરોપીએ તેની સાથે મારઝૂડ કરી તથા તેના માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવા માટે પીડિતાને વિવિધ પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા બાદ આખરે પોલીસ કમિશનરના આદેશથી ગુનો નોંધાયો હતો.
પોલીસે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનામાં આરોપી સુનીલ મહીડાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અગાઉ પણ આ આરોપી ખંડણીના કેસમાં જેલમાં જઈ ચૂક્યો છે, ત્યારે પોલીસે બનાવટી ઓળખના દસ્તાવેજો, ફોન ડેટા અને અન્ય ગંભીર આક્ષેપોની દિશામાં સઘન તપાસ હાથ ધરી છે જેથી આગામી સમયમાં વધુ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
