<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

કચ્છના ઔદ્યોગિક વિકાસને લાગશે પાંખો: અદાણી મુન્દ્રા એરપોર્ટ પરથી મુંબઈ અને ગોવા માટે પહેલી શેડ્યુલ્ડ ફ્લાઇટ સેવાનો ધમાકેદાર પ્રારંભ!

પ્રાદેશિક એરલાઇન ‘સ્ટાર એર’ સાથે અદાણી ગ્રુપની મોટી ભાગીદારી; સુરત, બેંગલુરુ અને હિંડોન સહિત વધુ ૬ શહેરો પણ હવાઈ માર્ગે જોડાશે, દેશના સૌથી મોટા ખાનગી બંદર અને SEZને મળશે વૈશ્વિક કનેક્ટિવિટી

અમદાવાદ:તા. ૨૩ જૂન, ૨૦૨૬: ગુજરાતના સરહદી અને ઔદ્યોગિક રીતે અત્યંત સમૃદ્ધ એવા કચ્છ ક્ષેત્ર માટે આજે એક ઐતિહાસિક દિવસ સાબિત થયો છે. અદાણી મુન્દ્રા એરપોર્ટ દ્વારા મંગળવારે દેશની અગ્રણી પ્રાદેશિક એરલાઇન ‘સ્ટાર એર’ (Star Air) સાથે ભાગીદારી કરીને મુન્દ્રાને મુંબઈ અને ગોવા સાથે જોડતી તેની સૌપ્રથમ સુનિશ્ચિત (શેડ્યુલ્ડ) ફ્લાઇટ સેવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી હવાઈ સેવા શરૂ થવાને કારણે કચ્છ પ્રદેશમાં વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ, લોજિસ્ટિક્સ અને પ્રવાસન ક્ષેત્રને એક નવો વેગ મળશે અને મુન્દ્રા દેશના એક અગ્રણી લોજિસ્ટિક્સ હબ તરીકે વધુ મજબૂત બનશે.

મુંબઈ અને ગોવાના આ પ્રારંભિક રૂટ ઉપરાંત, સ્ટાર એર આગામી દિવસોમાં મુન્દ્રા એરપોર્ટ પરથી કુલ આઠ નવી હવાઈ સેવાઓ શરૂ કરવા જઈ રહી છે. આ કનેક્ટિવિટી અંતર્ગત મુન્દ્રાને દેશના અન્ય અગત્યના શહેરો જેવા કે હિંડોન, સુરત, બેલાગવી, બેંગલુરુ, કોલ્હાપુર અને નાંદેડ સાથે સીધું સાંકળવામાં આવશે. કંપનીના જણાવ્યા અનુસાર, આ સીધી ફ્લાઇટ્સના કારણે મુસાફરીના સમયમાં ધરખમ ઘટાડો થશે, જે ઉદ્યોગપતિઓ, સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીઓ માટે એક ‘ઝડપી કોરિડોર’ સમાન સાબિત થશે.

મુન્દ્રા એરપોર્ટને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ૧,૯૦૦ મીટર લાંબા રનવે સાથે આધુનિક રીતે વિકસાવવામાં આવ્યું છે, જે મોટા પેસેન્જર અને કાર્ગો વિમાનોના સંચાલન માટે સક્ષમ છે. આ એરપોર્ટના અદ્યતન ટર્મિનલમાં વિશાળ પાર્કિંગ, મલ્ટિપલ ચેક-ઇન કાઉન્ટર્સ, આધુનિક પેસેન્જર લાઉન્જ, ફૂડ કોર્ટ અને દિવ્યાંગો માટે વિશેષ વ્હીલચેર તથા ડ્રોપ-ઓફ ઝોનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આ સેવા ભારતના સૌથી મોટા ખાનગી બંદર ‘મુન્દ્રા પોર્ટ’ અને દેશના સૌથી મોટા કાર્યરત મલ્ટી-પ્રોડક્ટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (Mundra SEZ) માટે આર્થિક વિકાસની કરોડરજ્જુ સાબિત થશે. અદાણી ગ્રુપ, જે ઓલરેડી નવી મુંબઈ, અમદાવાદ અને જયપુર સહિત દેશના આઠ મોટા એરપોર્ટ્સનું સંચાલન કરે છે, તે પોતાના આ વ્યાપક અનુભવનો લાભ હવે કચ્છના આર્થિક ઉત્થાન માટે આપશે.

(4:52 PM IST)