<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

કચ્‍છ કડવા પાટીદાર સમાજની અનોખી બાળ પ્રોત્‍સાહન યોજના ત્રીજું સંતાન જન્‍મે તો પરિવારને મળશે રૂા.૫૦ હજારની સહાય

સમાજમાં ઘટતી જતી વસતિ વચ્‍ચે કચ્‍છ કડવા પાટીદાર સમાજે નવી પેઢીને લઈને એક અનોખી પહેલ કરી : હવે પરિવારમાં ત્રીજા સંતાનના જન્‍મ પર દીકરો હોય કે દીકરી, સમાજ તરફથી રૂ. ૫૦ હજારની FD સ્‍વરૂપે પ્રોત્‍સાહક સહાય આપવામાં આવશે

અમદાવાદ તા.૨૪: ઘણા પરિવારોમાં સંતાનોની સંખ્‍યા અંગેની વિચારસરણી છેલ્‍લા કેટલાક વર્ષોમાં બદલાઈ રહી છે. ‘અમે બે, અમારા બે'ની માનસિકતા વચ્‍ચે સમાજની ઘટતી જતી વસતિને લઈને પણ ચિતા વ્‍યક્‍ત થઈ રહી છે. ત્‍યારે કચ્‍છ કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત ઝોને નવી પેઢીને પ્રોત્‍સાહન આપવાના હેતુથી એક અનોખી પહેલ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના હેઠળ હવે બીજા સંતાન બાદ જન્‍મ લેનારા ત્રીજા સંતાનને સમાજ તરફથી રૂ. ૫૦ હજારની ફિક્‍સ્‍ડ ડિપોઝિટ એટલે કે જ્‍ઝ સ્‍વરૂપે પ્રોત્‍સાહક સહાય આપવામાં આવશે. ખાસ વાત એ છે કે આ લાભ દીકરા અને દીકરી બંને માટે સમાન રહેશે.

કચ્‍છ કડવા પાટીદાર સમાજમાં ઘટતી જતી વસતિને કારણે ઊભા થતા સામાજિક અસંતુલનને દૂર કરવાના પ્રયાસરૂપે દક્ષિણ ગુજરાત ઝોન દ્વારા આ બાળ પ્રોત્‍સાહન યોજના શરૂ કરવાનો મહત્‍વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્‍યો છે. નવી પેઢીમાં સંતાન અંગેની વિચારસરણીમાં સકારાત્‍મક પરિવર્તન લાવવાના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. સમાજના આગેવાનોના જણાવ્‍યા પ્રમાણે, પરિવારોમાં સંતાન અંગેના વિચારોમાં પરિવર્તન આવે અને નવી પેઢીને પ્રોત્‍સાહન મળે તે દિશામાં આ પહેલને મહત્‍વપૂર્ણ માનવામાં આવી રહી છે.

સુરતના કડોદરા ખાતે બાબુભાઈ જાદવાણીના અધ્‍યક્ષસ્‍થાને દક્ષિણ ગુજરાત ઝોનની વાર્ષિક સામાન્‍ય સભા યોજાઈ હતી. આ બેઠકમાં બાળ પ્રોત્‍સાહન યોજના શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો હતો. યોજનાની જાહેરાત બાદ સમાજમાં પણ તેની ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને ઘટતી જતી વસતિના મુદ્દાને ધ્‍યાનમાં રાખીને આ પ્રકારની પ્રોત્‍સાહક યોજના શરૂ કરવામાં આવી હોવાની વાત સામે આવી છે.

યોજના મુજબ ૧૩ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ બાદ દક્ષિણ ગુજરાત સનાતન સમાજના આજીવન સભ્‍યશ્રીને ત્‍યાં બીજા સંતાન પછી જન્‍મ લેનારા દરેક સંતાનને આ યોજનાનો લાભ મળશે. એટલે કે ત્રીજા સંતાન તરીકે જન્‍મ લેનાર બાળક દીકરો હોય કે દીકરી, બંને માટે દક્ષિણ ગુજરાત ઝોન સમાજ દ્વારા રૂ. ૫૦,૦૦૦ની ફિક્‍સ્‍ડ ડિપોઝિટ (FD) સ્‍વરૂપે પ્રોત્‍સાહક સહાય આપવામાં આવશે. આમ, ત્રીજા સંતાનના જન્‍મને માત્ર પરિવાર પૂરતી બાબત નહીં રાખીને સમાજ તરફથી પણ તેને પ્રોત્‍સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો છે.

આ યોજના માત્ર આર્થિક પ્રોત્‍સાહન પૂરતી મર્યાદિત નથી. ઝોનના રમેશભાઈ પારસિયાએ જણાવ્‍યું હતું કે યોજનામાં શિક્ષણ અને આરોગ્‍ય સહાયની પણ જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે બાળકના ભવિષ્‍યમાં શિક્ષણ અને આરોગ્‍ય જેવા મહત્‍વના ક્ષેત્રોને પણ ધ્‍યાનમાં રાખવામાં આવ્‍યા છે. સમાજમાં અગાઉ પ્રચલિત ‘અમે બે, અમારા બે'ની માનસિકતાથી આગળ વધીને નવી પેઢીના સંતાન અંગેના વિચારોમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ આ યોજના મારફતે કરવામાં આવી રહ્યો છે. કચ્‍છ કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત ઝોન હેઠળ કુલ ૨૬ ઘટક સમાજ કાર્યરત છે. આ ઝોન દ્વારા સમાજના સભ્‍યોના વિકાસ, શિક્ષણ, આરોગ્‍ય સહિતના વિવિધ ક્ષેત્રોમાં અનેકવિધ પ્રવૃત્તિઓ અને સહાય યોજનાઓનું સંચાલન કરવામાં આવે છે. હવે આ પ્રવૃત્તિઓમાં બાળ પ્રોત્‍સાહન યોજનાનો પણ ઉમેરો થયો છે.

સમાજના ભવિષ્‍ય અને નવી પેઢીને ધ્‍યાનમાં રાખીને શરૂ કરવામાં આવેલી આ યોજના આગામી સમયમાં કેવી રીતે અમલમાં આવે છે અને કેટલા પરિવારો તેનો લાભ લે છે તેના પર સૌની નજર રહેશે. હાલ તો ત્રીજા સંતાનના જન્‍મને પ્રોત્‍સાહન આપવા માટે રૂ. ૫૦ હજારની FD આપવાના નિર્ણયને લઈને કચ્‍છ કડવા પાટીદાર સમાજના દક્ષિણ ગુજરાત ઝોનની આ પહેલ ચર્ચામાં આવી છે.

(1:59 PM IST)