News of Monday, 12th October 2026
કચ્છને બેટર ગવર્નન્સ અને સર્વિસ ડિલેવરી માટે તથા દાહોદ અને છોટાઉદેપુરને ઈમ્પ્રુવિંગ ઈરિગેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે મળ્યું સન્માન
પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનામાં રાજ્યના ત્રણ જિલ્લાઓ રાષ્ટ્રીય સ્તરે ઝળક્યા :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા :નવી દિલ્હીમાં સમારોહમાં કચ્છ, છોટા ઉદેપુર અને દાહોદને યોજનાના અમલમાં શ્રેષ્ઠતા માટેના એવોર્ડ કેન્દ્રિય કૃષિ મંત્રીના હસ્તે અર્પણ કરાયા

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ ક્ષેત્રે વિકાસની પ્રબળ ક્ષમતા ધરાવતા હોવા છતાં, ઉત્પાદકતા અને આર્થિક વિકાસની દ્રષ્ટિએ પાછળ રહેલા અને ઓછી ઉત્પાદકતા, મધ્યમ પાક સઘનતા (ક્રોપ ઈન્ટેન્સિટી) અને સરેરાશથી ઓછા ધિરાણના માપદંડો ધરાવતા ૧૦૦ જિલ્લાઓને આવરી લેવા 2025માં શરૂ કરાવેલી પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાનું સફળ એક વર્ષ 12 ઓક્ટોબર, 2026ના રોજ પૂર્ણ થયું છે.
આ યોજનાના અમલીકરણના પ્રથમ વર્ષમાં દેશના જે જિલ્લાઓએ નોંધપાત્ર પ્રગતિ કરી છે તેને સન્માનિત કરવા માટે નવી દિલ્હીમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના 3 જિલ્લાઓને શ્રેષ્ઠતા માટેનું સન્માન મળ્યું છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કચ્છ જિલ્લાને બેટર ગવર્નન્સ અને સર્વિસ ડિલેવરી માટે તથા દાહોદ અને છોટાઉદેપુરને ઈમ્પ્રુવિંગ ઈરિગેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉત્કૃષ્ટ કામગીરી માટેનું સન્માન એનાયત કર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ગૌરવ સન્માન મેળવવા માટે કચ્છ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર અને કૃષિ વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
છોટાઉદેપુર અને દાહોદ જેવા પહાડી અને આદિવાસી વિસ્તાર ધરાવતા જિલ્લામાં ખેતીના સસ્ટેનેબલ ડેવપમેન્ટ માટે સિંચાઈ સુવિધાઓનું વિશિષ્ટ મહત્વ રહેલું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સિંચાઈ ક્ષમતામાં વધારો કરવા, માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા તથા ખેડૂતો સુધી પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવા માટે સફળ સઘન પ્રયાસો કરીને ખેતી માટે જરૂરી પાણીની ઉપલબ્ધિ વધારવામાં આવતાં આ જિલ્લાઓમાં કૃષિ ઉત્પાદકતા અને ઉત્પાદનમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનામાં જે છ મુખ્ય ઉદ્દેશ્યોમાં શ્રેષ્ઠ કામગીરી બદલ 18 જિલ્લાઓને સન્માનિત કરવામાં આવ્યા છે તેમાં કૃષિ ઉત્પાદકતામાં વધારો; પાક વૈવિધ્યકરણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓને પ્રોત્સાહન, લણણી પછીની સંગ્રહ ક્ષમતામાં વધારો; સિંચાઈ માળખાગત સુવિધાઓમાં સુધારો તેમજ ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની કૃષિ ધિરાણની સુલભતામાં વધારો તથા સુચારું વહીવટ અને સર્વિસ ડિલિવરીનો સમાવેશ થાય છે.
વડાપ્રધાનશ્રીએ આ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના 12 ઓક્ટોબર, 2025ના રોજ દેશના 100 એગ્રિકલ્ચર એસ્પિરેશનલ જિલ્લાઓ માટે રૂ.24,000 કરોડના ખર્ચે શરૂ કરી હતી. જેમાં ગુજરાતના 4 જિલ્લા કચ્છ, દાહોદ, છોટાઉદેપુર અને પંચમહાલનો સમાવેશ થાય છે.
(8:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
