<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

કિસાન મોરચાના કાર્યક્રમ ‘મન કી બાત - પ્રાકૃતિક કૃષિ કે સાથ’નો રાજ્યભરમાં પ્રારંભ :તમામ જિલ્લાના એક-એક તાલુકામાં તેમજ તમામ મહાનગરોના એક-એક વોર્ડમાં કાર્યક્રમો યોજાયા

દર મહિને પ્રત્યેક જિલ્લાના અલગ-અલગ તાલુકા અને મહાનગરોના અલગ-અલગ વોર્ડમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદની શૃંખલા આગળ વધારાશે:ખેડા જિલ્લામાં મહુધા વિધાનસભા ખાતે પ્રદેશ ઉપાધ્યક્ષ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રભારી ભરતભાઈ પંડ્યા ખેડૂતો સાથે ‘મન કી બાત’માં જોડાયા અને પ્રાકૃતિક કૃષિ અંગે કર્યો સંવાદ

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાની યાદી જણાવે છે કે, કિસાન મોરચા દ્વારા ‘મન કી બાત - પ્રાકૃતિક કૃષિ કે સાથ’ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો. તેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લાના એક-એક તાલુકામાં તેમજ તમામ મહાનગરોના એક-એક વોર્ડમાં ખેડૂતો સાથે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ યોજાયો હતો. આગામી સમયમાં દર મહિને પ્રત્યેક જિલ્લાના અલગ-અલગ તાલુકા અને મહાનગરોના અલગ-અલગ વોર્ડમાં આ કાર્યક્રમ યોજી પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂત સંપર્ક અને સંવાદની શૃંખલા આગળ વધારવામાં આવશે. કિસાન મોરચાની તાજેતરની પ્રદેશ બેઠકમાં પણ આ કાર્યક્રમ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત જાગૃતિ અને સંવાદને રાજ્યવ્યાપી બનાવવાની કાર્યયોજના રજૂ કરવામાં આવી હતી.
આ રાજ્યવ્યાપી કાર્યક્રમના ભાગરૂપે ભાજપા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રભારી ભરતભાઈ પંડ્યા ખેડા જિલ્લાના મહુધા વિધાનસભા વિસ્તારના બુથ નં. ૨૪૬ ખાતે ઉપસ્થિત રહી ખેડૂતો સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ના ૧૩૮મા એપિસોડના સામૂહિક શ્રવણમાં જોડાયા હતા અને ત્યારબાદ પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે પ્રાકૃતિક ખેતીના તજજ્ઞો તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના પ્રત્યક્ષ અનુભવો દ્વારા ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.
 ભરતભાઈ પંડ્યાએ કહ્યું કે, પ્રાકૃતિક કૃષિને વધુ ખેડૂતો સુધી લઈ જવા માત્ર માહિતી નહીં પરંતુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પ્રત્યક્ષ અનુભવો અને તજજ્ઞોનું માર્ગદર્શન પણ મહત્વપૂર્ણ છે. ‘મન કી બાત - પ્રાકૃતિક કૃષિ કે સાથ’ દ્વારા દર મહિને ખેડૂતો વચ્ચે સીધો સંવાદ થાય અને પ્રાકૃતિક ખેતીના વ્યવહારુ અનુભવો ગામ-ગામ સુધી પહોંચે તે દિશામાં કિસાન મોરચો સતત કાર્ય કરશે. આ કાર્યક્રમ માત્ર એક દિવસ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ દર મહિને નવા તાલુકા અને વોર્ડ સુધી પહોંચીને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના અનુભવોને અન્ય ખેડૂતો સાથે જોડવાનું સતત માધ્યમ બનશે.
ચકલાસી ખાતે ભરતભાઈ પંડ્યાએ ખેડા જિલ્લા કિસાન મોરચાના હોદ્દેદારો સાથે સંગઠનાત્મક બેઠક કરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રીમતી હેમલબેન પટેલ, જિલ્લા પ્રમુખ કિરણભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી અમિતભાઈ ડાભી, કિસાન મોરચા મહામંત્રી પ્રભાતસિંહ અને શંભુજી સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રવાસ દરમિયાન ભરતભાઈ પંડ્યાએ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઈ ખેડૂત-મિત્રો સાથે સંવાદ કર્યો હતો. ઉત્તરસંડા ખાતે ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભરતભાઈ સાથે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ પણ જોડાયા હતા. આ ઉપરાંત ચોખયાલપુરા-પીજ ખાતે ગોબરધન બાયોગેસ પ્લાન્ટની મુલાકાત દરમિયાન ૧૧૫-માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
પીજ ખાતે કપિલેશ્વર મહાદેવ મંદિરના દર્શન બાદ ભરતભાઈ પંડ્યાએ ચકલાસી PHC સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં પુત્રને જન્મ આપનાર માતાને ફળફળાદિ અર્પણ કરી માતા અને નવજાત શિશુને શુભેચ્છાઓ પાઠવી હતી

(6:36 PM IST)