તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
દહેજ પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ સોલંકી 60 હજારની લાંચ લેતા ઝડપાયો : એસીબી પીઆઈ એમ.જે. શિંદે અને ટીમે વડદલા બીટની ચેમ્બરમાં કરી સફળ ટ્રેપ : જૂઓ વિડીયો
અકસ્માતે મોતના કિસ્સામાં મરણના દાખલા માટે જરૂરી કાગળો આપવા માંગી હતી લાંચ : એસીબી ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એમ. પટેલ અને નાયબ નિયામક ભારતી પંડ્યાના માર્ગદર્શન હેઠળ ભરૂચ એસીબીની મોટી કાર્યવાહી

ભરૂચ: ભરૂચ જિલ્લાના દહેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અ.હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહ જગદીશભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલી લાંચની માંગણીના આધારે એસીબીએ સફળ છટકું ગોઠવીને 60 હજારની રોકડ સાથે આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે.
ઘટનાની વિગતો:
ફરિયાદીના મિત્રની કંપનીમાં કામ કરતા એક કર્મચારીનું ગત જાન્યુઆરી માસમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ અંગે દહેજ પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત (અ.મોત) દાખલ કરવામાં આવ્યું હતું, જેની તપાસ કિરપાલસિંહ સોલંકી પાસે હતી. મૃતક કર્મચારીના પરિવારને મરણના દાખલાની જરૂર હોવાથી તેઓ જ્યારે ગ્રામ પંચાયતમાં ગયા, ત્યારે તલાટીએ અ.મોતની જાહેરાત અને પી.એમ. નોટની નકલ માંગી હતી. આ દસ્તાવેજોની નકલ આપવાના બદલામાં હેડ કોન્સ્ટેબલ કિરપાલસિંહે શરૂઆતમાં 1,00,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
એસીબીની ટ્રેપ અને ધરપકડ:
લાંચની રકમ અંગે રકઝક થયા બાદ અંતે 70,000 રૂપિયા લેવાનું નક્કી થયું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ભરૂચ એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી પીઆઈ એમ.જે. શિંદે અને સ્ટાફે આજે 07/05/2026ના રોજ દહેજ પોલીસ સ્ટેશનની "વડદલા બીટ"ની ચેમ્બરમાં જ છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપી કિરપાલસિંહે 70,000 રૂપિયાની માંગણી કરી હતી, જે બાદમાં રકઝકના અંતે 60,000 રૂપિયા સ્વીકારતા જ એસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કામગીરી વડોદરા એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક બી.એમ. પટેલ અને અમદાવાદ મુખ્ય મથકના નાયબ નિયામક ભારતી પંડ્યાના સુપરવિઝન હેઠળ કરવામાં આવી હતી. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સદલા ગામના વતની એવા આરોપી પોલીસ કર્મચારીની ધરપકડથી પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
