તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
ખેડા જિલ્લા ભાજપ દ્વારા શિસ્તભંગ કરનારા સામે આકરી કાર્યવાહી :પક્ષ વિરોધી કામગીરી બદલ 18ને કર્યા સસ્પેન્ડ
હોદ્દેદારો અને કાર્યકરો સામે ભાજપે શિસ્ત ભંગનો કોરડો વીંઝાયો :જિલ્લા પ્રમુખ નયનાબેન પટેલે શિસ્તના ભંગ બદલ 18 વ્યક્તિઓને સસ્પેન્ડ કર્યા: સૌથી વધુ 15 કપડવંજ શહેરના અને બે કણજરી શહેરના કાર્યકરો સામે પગલાં

ખેડા જિલ્લા ભાજપ સંગઠનમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે શિસ્તભંગની કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ દ્વારા પક્ષના શિસ્તનો ભંગ કરનારા કુલ 18 હોદ્દેદારો અને કાર્યકરોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આ આકરી કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે. આરોપ છે કે, પક્ષ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર ઉમેદવારો સામે આ કાર્યકરોએ છૂપી રીતે અથવા પ્રત્યક્ષ રીતે પક્ષ વિરોધી કામગીરી કરી હતી. પક્ષના આદેશોનું ઉલ્લંઘન કરી ભીતરઘાત કરનારા સભ્યોનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેના આધારે આ નિર્ણય લેવાયો છે.
સસ્પેન્ડ કરાયેલા 18 વ્યક્તિઓમાં સૌથી વધુ સંખ્યા કપડવંજ શહેરની છે, જ્યાંથી 15 કાર્યકરોને પક્ષમાંથી પડતા મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, કણજરી શહેરના બે કાર્યકરો અને ગળતેશ્વર તાલુકાના એક હોદ્દેદાર સામે પણ શિસ્તભંગના પગલાં લેવાયા છે. ભાજપના આ સપાટાથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, શિસ્ત એ ભાજપનો પાયો છે અને પક્ષના ઉમેદવારને નુકસાન પહોંચાડનારા કોઈપણ વ્યક્તિને ચલાવી લેવામાં આવશે નહીં. આ કાર્યવાહીથી આગામી સમયમાં અન્ય કાર્યકરોમાં પણ શિસ્ત જળવાય તેવો સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
