તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
કર્ણાવતી મહાનગર ભાજપ દ્વારા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત દિનેશ હોલ ખાતે ભવ્ય કાર્યશાળા યોજાઈ : ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું અધ્યક્ષીય ઉદ્બોધન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ થવા પર ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી ચાલનારા અભિયાન અંગે પદાધિકારીઓ અને કાર્યકરોને માર્ગદર્શન અપાયું : ગરીબ પરિવારથી દેશના પ્રધાનમંત્રી સુધીની સફરને પ્રેરણાદાયી ગણાવી

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે સેવા અને સમર્પણના અવિરત ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ૧૭ સપ્ટેમ્બરથી ૧૭ ઓક્ટોબર સુધી ચાલનારા વિવિધ કાર્યક્રમોની પૂર્વતૈયારી રૂપે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં કર્ણાવતી મહાનગર ભાજપની કાર્યશાળા આશ્રમરોડ પર આવેલા દિનેશ હોલ ખાતે યોજાઈ હતી.
કાર્યશાળાને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીની એક ગરીબ પરિવારમાં જન્મથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન સુધીની સફર અત્યંત પ્રેરણાદાયી છે. તેમના ૨૫ વર્ષના જાહેર જીવનમાં ગુજરાત તેમજ સમગ્ર દેશ દરેક ક્ષેત્રે ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિકાસનો સાક્ષી બન્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યના વિકાસને નવી દિશા આપવાથી લઈને પ્રધાનમંત્રી તરીકે રાષ્ટ્ર નિર્માણ, જનકલ્યાણ અને દેશની સુરક્ષા માટે તેમણે લીધેલા નિર્ણયો તેમની રાષ્ટ્ર પ્રત્યેની અવિરત સેવા અને સમર્પણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
તેમણે ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થનારા મહિના સુધીના આ અભિયાન અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમો અંગે સંગઠનના પદાધિકારીઓ, ચુંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે જ સરકારની કલ્યાણકારી યોજનાઓ અને વિકાસકાર્યોના લાભો સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચાડવા માટે પ્રત્યેક કાર્યકરને સક્રિયતાથી જોડાવા આહ્વાન કર્યું હતું.
આ કાર્યશાળામાં ભાજપના રાષ્ટ્રીય મંત્રી રોહન ગુપ્તા, મેયર હિતેશ બારોટ, કર્ણાવતી મહાનગર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ, સાંસદ હસમુખ પટેલ, સાંસદ દિનેશ મકવાણા, અભિયાનની પ્રદેશ ટીમના સભ્ય રાકેશ શાહ સહિત સ્થાનિક ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ, નગરસેવકો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
