<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

રાજ્યમાં પારદર્શી અને પ્રજાભિમુખ વહીવટ માટે ‘કર્મયોગી પ્રશિક્ષણ મિશન’ વેગવંતું : સ્પીપા દ્વારા અત્યાર સુધીમાં ૨૩૬ બેચમાં ૬,૨૨૯ કર્મચારીઓને અપાઈ વિશેષ તાલીમ

ગુજરાત સરકારની ૧૦મી ચિંતન શિબિરની ભલામણ અનુસાર વર્ગ-૩ અને વર્ગ-૪ના ૧.૮૩ લાખ કર્મચારીઓનું કરાશે ક્ષમતા નિર્માણ : સુશાસન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શરૂ થયેલા રાજ્યવ્યાપી અભિયાન દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવાનો શ્રેષ્ઠતમ પ્રયાસ

ગાંધીનગર : ગુજરાત સરકારની ૧૦મી ચિંતન શિબિરની મહત્વપૂર્ણ ભલામણ અનુસાર રાજ્યમાં વહીવટી કાર્યક્ષમતા વધારવા અને પ્રજાલક્ષી સુશાસનના ધ્યેયને ચરિતાર્થ કરવા માટે "કર્મયોગી પ્રશિક્ષણ મિશન" અંતર્ગત વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ મિશન હેઠળ રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના કર્મચારીઓની ક્ષમતા નિર્માણ (કેપેસિટી બિલ્ડિંગ) કરવાના હેતુથી "અસરકારક સંદેશા વ્યવહાર અને વર્તણૂંકલક્ષી તાલીમ" આપવાનું એક ભવ્ય રાજ્યવ્યાપી અભિયાન કાર્યરત છે. આ અભિયાનનો શુભારંભ ગત ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ "ગુડ ગવર્નન્સ ડે" (સુશાસન દિવસ) ના પવિત્ર અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે કરવામાં આવ્યો હતો.

 

રોજબરોજની સમસ્યાઓના સકારાત્મક અને પરિણામલક્ષી સમાધાન પર ભાર:

આ વિશેષ પ્રશિક્ષણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની આર્થિક, સામાજિક અને તાંત્રિક નીતિઓના નિર્ધારણ દ્વારા પ્રજાભિમુખ અને સંપૂર્ણ પારદર્શી વહીવટનું અસરકારક અમલીકરણ કરવાનો છે. આ તાલીમ દ્વારા સરકારી કચેરીઓમાં આવતા સામાન્ય જન-જનની સેવા અને સુવિધાઓ પ્રત્યે કર્મચારીઓમાં હકારાત્મક અભિગમ કેળવાય, રોજબરોજની વહીવટી સમસ્યાઓનું સકારાત્મક તેમજ પરિણામલક્ષી સમાધાન આવે અને પ્રજા સાથે સૌજન્યપૂર્ણ સંવાદ સાધીને નાગરિકોની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરી શકાય તે માટે કર્મચારીઓને સજ્જ કરવામાં આવી રહ્યા છે. આ વ્યવસ્થા વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને સેવાભાવી બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહી છે.

 

૧,૮૩,૦૦૦ કર્મચારીઓને પ્રશિક્ષિત કરવાનું ભગીરથ લક્ષ્ય:

પ્રજાલક્ષી સુશાસનના આ ઉમદા ધ્યેયને પાયાના સ્તર સુધી પહોંચાડવા માટેની આખી કામગીરી સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (સ્પીપા - SPIPA) ને સોંપવામાં આવી છે. સ્પીપાને રાજ્યના કુલ ૧,૮૩,૦૦૦ કર્મચારીઓને આ ઉચ્ચ સ્તરીય તાલીમ ઉપલબ્ધ કરાવવાનું ભગીરથ લક્ષ્ય આપવામાં આવ્યું છે. આ વ્યાપક આયોજન અંતર્ગત અત્યાર સુધીમાં સ્પીપા દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી છે, જેના ભાગરૂપે અત્યાર સુધીમાં અલગ-અલગ ૨૩૬ બેચનું સફળ આયોજન કરીને કુલ ૬,૨૨૯ કર્મચારીઓને આધુનિક વહીવટી જરૂરિયાતો મુજબ 'કર્મયોગી' તરીકે પ્રશિક્ષિત કરી દેવામાં આવ્યા છે.

 

વિકસિત ભારતના સંકલ્પને મૂર્તિમંત કરવા ગુજરાત અગ્રેસર:

સ્પીપા દ્વારા સમગ્ર રાજ્યમાં "કર્મયોગી પ્રશિક્ષણ મિશન" અંતર્ગત તાલીમ અંગેનું જે ક્રમબદ્ધ અને સુઆયોજિત માર્ગદર્શિકા મુજબ આયોજન કરવામાં આવ્યું છે, તેનાથી સરકારી કામકાજની પદ્ધતિમાં મોટો સકારાત્મક બદલાવ જોવા મળી રહ્યો છે. આ ક્ષમતા વર્ધન કાર્યક્રમ દ્વારા ગુજરાત રાજ્ય વહીવટી અને વિકાસના દરેક ક્ષેત્રમાં દેશભરમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરે તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના "વિકસિત ભારત" ના મહાન સંકલ્પને સમયમર્યાદામાં મૂર્તિમંત કરી શકાય તે માટે આ શ્રેષ્ઠતમ વહીવટી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

(9:06 PM IST)