<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

દેડિયાપાડામાં 57 આદિવાસી નવદંપતીઓને કરિયાવરનું વિતરણ કરાયું : ખોટા પ્રમાણપત્રના મુદ્દે સાંસદ મનસુખભાઈ વસાવા લાલઘૂમ

કરિયાવર વિતરણના મંચ પરથી ખોટા પ્રમાણપત્રનો મુદ્દો ગાજ્યો : મનસુખભાઈ વસાવાના આકરા તેવર

(ભરત શાહ દ્વારા ) નર્મદા :આદિવાસી સમાજમાં સામાજિક એકતા, પરસ્પર સહકાર અને નવદંપતીઓને લગ્નજીવનની નવી શરૂઆતમાં મદદરૂપ થવાના હેતુથી આદિવાસી ભીલ ગુજરાત સંગઠન (AGS) દ્વારા દેડિયાપાડા ખાતે સરાહનીય પહેલ કરવામાં આવી હતી. સંગઠન દ્વારા દક્ષિણ ગુજરાતના આદિવાસી ભીલ સમાજના 57 નવદંપતીઓને કરિયાવરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પાટણ ખાતે આયોજિત 131મા સમૂહલગ્ન મહોત્સવમાં દક્ષિણ ગુજરાતમાંથી આદિવાસી ભીલ સમાજનાં કુલ 57 નવદંપતીઓ જોડાયાં હતાં. આ નવદંપતીઓને દેડિયાપાડા સ્થિત જાનકી આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કરિયાવર અર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ખોટા જાતિ પ્રમાણપત્રનો ગંભીર મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. આ મુદ્દે સાંસદ મનસુખભાઈ વસાવા લાલઘૂમ થયા હતા. આદિવાસી સમાજની ઓળખ, બંધારણીય હક અને અધિકારો સાથે ચેડાં કરવાના મુદ્દે તેમણે આકરું વલણ દાખવ્યું હતું.
ખોટા જાતિ પ્રમાણપત્રના આધારે આદિવાસી સમાજના હક અને અધિકારો પર તરાપ મારવાના કથિત પ્રયાસો સામે તંત્રએ ગંભીરતાથી પગલાં ભરવાની જરૂરિયાતનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો હતો. આદિવાસી સમાજના હકના રક્ષણ માટે આવા પ્રમાણપત્રોની યોગ્ય તપાસ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી છે.
એક તરફ 57 નવદંપતીઓને કરિયાવર વિતરણ કરીને સામાજિક સહકારનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું, તો બીજી તરફ ખોટા જાતિ પ્રમાણપત્રના મુદ્દે સાંસદના આકરા તેવરે આદિવાસી સમાજના હક અને અધિકારોની ચર્ચાને પણ વેગ આપ્યો હતો.
આદિવાસી ભીલ ગુજરાત સંગઠનની આ પહેલ સામાજિક એકતા, સહકાર અને સમાજના હિત માટેની જવાબદારીનો સંદેશ આપનારી બની હતી

(9:30 PM IST)