તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
ખેડા જીિલ્લામાં નવરાત્રિનો આનંદ માતમમાં ફેરવાયો : યાત્રાધામ ડાકોરમાં મધરાતે બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ : ચૂંટણીની અદાવતમાં 21 વર્ષીય યુવકનું મોત
સત્યમ સોસાયટી નજીક નવી નગરી વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારો સાથે હિંસક હુમલો, એક મહિલા સહિત 8 લોકો ઈજાગ્રસ્ત, ડાકોર પોલીસે સામસામે 16 આરોપીઓ સામે ગુનો નોંધી 5 મુખ્ય આરોપીની ધરપકડ કરી

ખેડા/ડાકોર, તા. 15 : ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નવરાત્રિના પવિત્ર માહોલ વચ્ચે ગત મધરાતે લોહિયાળ જૂથ અથડામણ સર્જાઈ હતી, જેમાં એક યુવકનું મોત નીપજતા સમગ્ર પંથકમાં તંગદિલી ફેલાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ ડાકોર શહેરના સત્યમ સોસાયટી નજીક આવેલા નવી નગરી વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી અંગત અદાવત અને ચૂંટણીકીય બાબતોને લઈને બે જૂથો વચ્ચે તણાવ ચાલતો હતો. ગત મધરાતે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષોના લોકો તીક્ષ્ણ હથિયારો સાથે સામસામે આવી ગયા હતા.
આ અથડામણમાં કુલ 9 લોકો ઘાયલ થયા હતા. તમામને પ્રથમ ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા સુલતાન ઇકબાલભાઈ શેખ (ઉ.21) નું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે.
અન્ય ઇજાગ્રસ્તોમાં દશરથ રમેશભાઈ રાઠોડ (52), સુરેશ રમેશભાઈ રાઠોડ (40), ઈરફાન યુસુફભાઈ શેખ (42), સોહિલ સત્તારભાઈ શેખ (22), અમોનાબેન અનવરભાઈ શેખ (50), હનીફ યુસુફભાઈ શેખ (50), ઇકબાલ હુસેનભાઈ શેખ (40) અને સંદીપભાઈ દશરથભાઈ રાઠોડ (25) નો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતા ખેડા જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો અડધી રાત્રે ઘટનાસ્થળે દોડી ગયો હતો. ડાકોર પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી કુલ 16 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી 14 લોકોને રાઉન્ડઅપ કર્યા છે, જેમાં હત્યામાં સંડોવાયેલા 5 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
