તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
એક વર્ષની સફર , સંગઠન પર પકડ અને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીનો મોટો પડકાર
પ્રદેશ અધ્યક્ષ તરીકે એક વર્ષ પૂર્ણ કરતા જગદીશભાઈ વિશ્વકર્મા : સફળ કાર્યકાળ બદલ અભિનંદન :જગદીશભાઈ વિશ્વકર્માની જીવન ઝરમર .....સામાન્ય કાર્યકરથી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુધી પ્રદેશ અધ્યક્ષ તરીકેની પસંદગી ભાજપે કેમ પસંદ કર્યા જગદીશ વિશ્વકર્માને...? જગદીશભાઈના પ્રથમ વર્ષના લેખાજોખા, સંગઠનનેફરીથી કાર્યકરો સુધી લઈ જવાનો પ્રયાસ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને પેટા ચૂંટણીઓ સંગઠન માટે અગ્નિપરીક્ષા, સંગઠન ઉપર જગદીશભાઈની પકડ તેમની સૌથી મોટી રાજકીય તાકાત, ૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી....સૌથી મોટો પડકાર, સરકાર અને સંગઠન વચ્ચે સંકલન ભૂપેન્દ્રભાઇ પટેલ અને હર્ષ સંઘવી સાથેની જવાબદારી, આગામી ઍક વર્ષ માટેની મુખ્ય પ્રાથમિકતાઓ, પ્રથમ વર્ષનું મૂલ્યાંકન સફળતા, સંભાવનાઓ અને બાકી રહેલી કસોટીઓ, જગદીશભાઈ માટે હવે ખરી કસોટી શરૂ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : ગુજરાત ભાજપના સુકાન પર જગદીશ વિશ્વકર્માઃ એક વર્ષની સફર, સંગઠન પર પકડ અને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીનો મોટો પડકાર. પ્રદેશ પ્રમુખ તરીકેનું પ્રથમ વર્ષ, રાજકીય અનુભવ, કાર્યકરો સાથેનો સંપર્ક, પક્ષના આંતરિક સમીકરણો અને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની સત્તા જાળવી રાખવાની જવાબદારી. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની ભૂમિકા માત્ર પક્ષના સંગઠનનું સંચાલન કરવા પૂરતી મર્યાદિત નથી. ગુજરાતમાં સતત સત્તા જાળવી રાખવાની ભાજપની રાજકીય પરંપરા, બદલાતાં સામાજિક સમીકરણો, યુવા મતદારોની અપેક્ષાઓ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનાં પરિણામો અને વિપક્ષની રાજકીય રણનીતિ વચ્ચે પક્ષને મજબૂત રાખવાની મોટી જવાબદારી તેમના ખભે છે.
ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખનું પદ હંમેશાં મહત્ત્વનું રહ્યું છે. આ પદ પર રહેલી વ્યક્તિએ એક તરફ રાજ્યના મુખ્યમંત્રી અને સરકાર સાથે સંકલન જાળવવું પડે છે, તો બીજી તરફ સંગઠનના પાયાના કાર્યકરથી લઈને જિલ્લા અને તાલુકા સ્તરના હોદ્દેદારો સુધી સૌને સાથે રાખવાના હોય છે. આ ઉપરાંત પક્ષની વિચારધારા, ચૂંટણીની વ્યૂહરચના, નવા નેતળત્વને તક આપવી અને જૂના કાર્યકરોની અપેક્ષાઓ વચ્ચે સંતુલન જાળવવું પણ એટલું જ જરૂરી છે.
જગદીશભાઈ વિશ્વકર્મા માટે આગામી સમય આ તમામ કસોટીઓમાંથી પસાર થવાનો છે. ખાસ કરીને ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેમના પ્રદેશ પ્રમુખ તરીકેના કાર્યકાળની સૌથી મોટી રાજકીય પરીક્ષા બની શકે છે.
આવો આપણે જગદીશભાઈ વિશ્વકર્માની જીવન ઝરમર , એટલે કે સામાન્ય કાર્યકરથી ગુજરાત ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ સુધીની સફરને જોઈએ તો, જગદીશભાઈ વિશ્વકર્માનો જન્મ ૧૨ ઑગસ્ટ, ૧૯૭૩ના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના વરણાવાડા ગામમાં થયો હતો, તેમના પિતાનું નામ ઈશ્વરભાઈ અને માતાનું નામ પાર્વતીબેન છે. તેમનું પ્રારંભિક શિક્ષણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં થયું હતું , ત્યાર બાદ તેમણે અમદાવાદની નવગુજરાત કોલેજમાં અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થી અવસ્થાથી જ તેમને સામાજિક પ્રવળત્તિઓ અને જાહેર જીવનમાં રસ હતો. સામાન્ય કાર્યકર તરીકે રાજકારણમાં પ્રવેશ કરનાર જગદીશભાઈ એ સંગઠનના વિવિધ સ્તરે કામ કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી.
વર્ષ ૨૦૨૧માં ગુજરાત સરકારમાં મંત્રી તરીકે તેમની રાજકીય જવાબદારીઓમાં નવો અધ્યાય શરૂ થયો. સહકાર, વન અને પર્યાવરણ, ઉદ્યોગ, પ્રોટોકોલ તથા નાગરિક ઉડ્ડયન સહિતના વિભાગોમાં તેમને જવાબદારી મળી. વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી બાદ પણ તેઓ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે કાર્યરત રહ્યા, ત્યારબાદ સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરી તથા પ્રોટોકોલ જેવા વિભાગોનો સ્વતંત્ર હવાલો પણ તેમણે સંભાળ્યો. આ રીતે ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ અને રાજ્ય સરકારના મંત્રી તરીકેનો અનુભવ ધરાવતા જગદીશભાઈને ૪ ઓક્ટોબર ૨૦૨૫માં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. પ્રદેશ અધ્યક્ષ તરીકેની પસંદગી ...ભાજપે કેમ પસંદ કર્યા જગદીશ વિશ્વકર્મા....? ૪ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ જગદીશભાઈ વિશ્વકર્માએ ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી હતી. તેમણે અગાઉના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલનું સ્થાન લીધું હતું.
આ નિમણૂક પાછળ અનેક રાજકીય અને સંગઠનાત્મક પરિબળો જોવા મળ્યાં હતાં . સી. આર. પાટીલના કાર્યકાળમાં ટેકનોલોજી આધારિત સંગઠન વ્યવસ્થાપન, પેજ સમિતિ અને બૂથ સ્તરે કાર્યકરોને સક્રિય કરવાની કામગીરીને વિશેષ મહત્ત્વ મળ્યું હતું. આવા સંગઠનાત્મક માળખાને જાળવી રાખીને આગામી ચૂંટણી માટે નવી ઊર્જા ઊભી કરવાનું કામ નવા પ્રદેશ પ્રમુખ સામે હતું.
જગદીશભાઈની પસંદગીમાં તેમનો લાંબો સંગઠનાત્મક અનુભવ, ત્રણ વખત ધારાસભ્ય તરીકેનો વિજય, સરકારમાં મંત્રી તરીકેની કામગીરી અને કાર્યકરો સાથેનો સંપર્ક મહત્ત્વનાં પરિબળો હતાં. તેમની સામાજિક ઓળખ પણ રાજકીય દૃષ્ટિએ મહત્ત્વની હતી. તેઓ અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના વિશ્વકર્મા સમાજમાં થી આવે છે. ગુજરાત માં પાટીદાર, ઓબીસી, ક્ષત્રિય, દલિત, આદિવાસી અને અન્ય સામાજિક સમુદાયોના મતદારો ચૂંટણીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી સ્થિતિમાં ઓબીસી નેતળત્વને પ્રદેશ અધ્યક્ષપદે સ્થાન આપીને ભાજપે સામાજિક પ્રતિનિધિત્વ અને રાજકીય સંતુલનનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હોવાનું રાજકીય વિશ્લેષણોમાં માનવામાં આવ્યું હતું.
સંગઠનાત્મક પુનર્ગઠન અને નવી જવાબદારીઓ
તેમના કાર્યકાળના શરૂઆતના છ મહિનામાં જ પક્ષની અંદર સંગઠનાત્મક ફેરફારોની પ્રક્રિયા શરૂ થઈ હતી. એપ્રિલ ૨૦૨૬ના અહેવાલો અનુસાર, પક્ષના કેટલાક મહત્ત્વના હોદ્દાઓ માં ફેરફાર અને ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયામાં વધુ સ્થાનિક સ્તરની ભાગીદારી લાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. આ ફેરફારો પાછળનો મુખ્ય ઉદ્દેશ પક્ષના સંગઠનને વધુ સક્રિય બનાવવાનો, કાર્યકરોને નિર્ણય પ્રક્રિયામાં જોડવાનો અને ચૂંટણી પહેલાં સ્થાનિક સ્તરે ઊભા થતા પ્રશ્નોને વહેલી તકે ઓળખવાનો હતો. સપ્ટેમ્બર ૨૦૨૬માં વિવિધ જિલ્લાઓ અને મહાનગરોમાં સંગઠનાત્મક કામગીરીની દેખરેખ માટે નવા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી. આ નિમણૂકો દર્શાવે છે કે પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ સંગઠનના માળખામાં સતત ફેરફારો અને જવાબદારીની વહેંચણી પર ધ્યાન આપી રહ્યા છે.
‘‘વન ડે, વન અસેમ્બલી'' દરેક વિધાનસભા સુધી પહોંચવા ની વ્યૂહરચના, જગદીશભાઈના કાર્યકાળમાં ધ્યાન ખેંચનાર એક સંગઠનાત્મક પહેલ ઁવન ડે, વન અસેમ્બલીઁ અભિગમ છે. આ પહેલ અંતર્ગત તેઓ અલગ-અલગ વિધાનસભા વિસ્તારોની મુલાકાત લઈને સ્થાનિક નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, બૂથ કાર્યકરો અને નાગરિકો સાથે સંવાદ સાધે છે. જુલાઈ ૨૦૨૬માં તેમણે તાપી જિલ્લાના વ્યારા વિધાનસભા વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો. આવા પ્રવાસોનો હેતુ સ્થાનિક પ્રશ્નો સમજવાનો, પક્ષના કાર્યકરોની કામગીરીની સમીક્ષા કરવાનો અને સરકારની યોજનાઓ અંગે જનજાગળતિ વધારવાનો છે. આ અભિગમનું મહત્ત્વ એ છે કે પ્રદેશ પ્રમુખને રાજ્યના વિવિધ વિસ્તારોમાં પક્ષની વાસ્તવિક સ્થિતિ વિશે સીધી માહિતી મળે છે. કાગળ પર મજબૂત દેખાતું સંગઠન સ્થાનિક સ્તરે કેટલું અસરકારક છે, કયાં આંતરિક અસંતોષ છે અને કયા વિસ્તારોમાં પક્ષે વધુ મહેનત કરવાની જરૂર છે, તેનો અંદાજ આવા પ્રવાસોથી મળી શકે છે.
કાર્યકરોને મહત્ત્વ આપવાનો સંદેશ
પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સંભાળતી વખતે જગદીશ ભાઈ એ સ્પષ્ટ કર્યું હતું કે પક્ષમાં બૂથ પ્રમુખ અને જિલ્લા પ્રમુખ બંનેનું મહત્ત્વ છે. તેમનું માનવું છે કે ભાજપની સૌથી મોટી તાકાત તેના કાર્યકરો છે. આ નિવેદન માત્ર ઔપચારિક સંદેશ નથી, ભાજપની ચૂંટણી સફળતામાં બૂથ સ્તરનું વ્યવસ્થાપન, મતદારો સુધી સતત પહોંચ અને સ્થાનિક કાર્યકરોની સક્રિયતા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને પેટાચૂંટણી ઓ... સંગઠન માટે અગ્નિપરીક્ષા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંગઠનની વાસ્તવિક તાકાત માપવાનું મહત્ત્વપૂર્ણ માધ્યમ બની છે. નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં પક્ષનું પ્રદર્શન માત્ર સત્તા જાળવવા પૂરતું નથી, પરંતુ આવનારી વિધાનસભા ચૂંટણી માટેની રાજકીય જમીન તૈયાર કરવા માટે પણ મહત્ત્વનું છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારોની પસંદગી, જૂથવાદ, સ્થાનિક નેતાઓની મહત્ત્વાકાંક્ષા અને કાર્યકરોનો અસંતોષ જેવા મુદ્દાઓ ઘણી વખત પક્ષની સામે પડકાર ઊભા કરે છે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈએ આ તમામ બાબતોને સંભાળવાની જવાબદારી નિભાવી છે.
વર્ષ ૨૦૨૬માં સ્થાનિક સ્તરે કેટલાક વિસ્તારોમાં પક્ષની અંદર અસંતોષ અને સંગઠનાત્મક પડકારો પણ સામે આવ્યા હતા. દક્ષિણ ગુજરાતના નર્મદા અને ભરૂચ જિલ્લામાં સંગઠનાત્મક ફેરફારો કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી. સપ્ટેમ્બર ૨૦૨૬માં નર્મદા અને ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. સ્થાનિક ચૂંટણીનાં પરિણામો, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો વચ્ચેના મતભેદો તથા આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ જેવા મુદ્દાઓ આ ફેરફારો પાછળનાં પરિબળો બન્યા હતા .
માંજલપુર પેટાચૂંટણીમાં વિજય
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ જગદીશભાઈના કાર્યકાળની એક મહત્ત્વપૂર્ણ રાજકીય ઘટના રહી. આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમણે માંજલપુર વિસ્તારમાં પ્રવાસ કર્યો હતો. બૂથ કાર્યકરોનું સંમેલન, સ્થાનિક નેતાઓ સાથે બેઠક અને પ્રતિષ્ઠિત નાગરિકો સાથે સંવાદ દ્વારા પક્ષના પ્રચારને વેગ આપવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના ઉમેદવારની જીત બાદ પ્રદેશ પ્રમુખે વડોદરાના તરસાલી ખાતે કાર્યકરોનો આભાર માનવા માટે વિશેષ કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યકરો પર પુષ્પવર્ષા કરીને તેમણે પક્ષની જીતમાં સંગઠનની ભૂમિકાને બિરદાવી હતી. આ વિજયને માત્ર એક બેઠકની જીત તરીકે જોવાને બદલે કાર્યકરોને પ્રોત્સાહિત કરવા અને આગામી ચૂંટણી માટે સંગઠનનો આત્મવિશ્વાસ વધારવાના સંદર્ભમાં પણ જોઈ શકાય છે .
સંગઠન ઉપર જગદીશભાઈની પકડ ... તેમની સૌથી મોટી રાજકીય તાકાત
જગદીશભાઈ વિશ્વકર્માની રાજકીય સફરમાં સંગઠનાત્મક કામગીરીને વિશેષ સ્થાન મળ્યું છે. બૂથ સ્તરે કામ કરવા થી લઈને અમદાવાદ શહેર ભાજપનું નેતળત્વ અને હવે પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સુધીનો તેમનો અનુભવ તેમની સૌથી મોટી મૂડી છે.
ગુજરાત ભાજપનું સંગઠન અનેક સ્તરોમાં વહેંચાયેલું છે. પ્રદેશ પ્રમુખ, પ્રદેશ મહામંત્રીઓ, જિલ્લા અને મહાનગર પ્રમુખો, મંડલ પ્રમુખો, શક્તિ કેન્દ્રો અને બૂથ સમિતિ ઓ વચ્ચે સતત સંકલન જરૂરી છે , આટલા મોટા માળખાને એકસાથે સક્રિય રાખવું સહેલું નથી ,જગદીશભાઈએ સંગઠનના વિવિધ સ્તરે મુલાકાતો, બેઠકો અને પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા આ સંકલન વધારવાનો પ્રયાસ કર્યો છે. તેમની કાર્યશૈલીમાં સીધો સંપર્ક અને કાર્યકરોને સાંભળવાની પદ્ધતિ ને મહત્ત્વ આપવામાં આવ્યું છે , પરંતુ સંગઠન ઉપરની પકડનું મૂલ્યાંકન માત્ર બેઠકો અને કાર્યક્રમોની સંખ્યા પરથી થઈ શકે નહીં, તેની વાસ્તવિક કસોટી ત્યારે થાય છે જ્યારે ઉમેદવારોની પસંદગી થાય. ચૂંટણીમાં ટિકિટ ન મળેલા નેતાઓને મનાવવાના હોય, આંતરિક વિખવાદ ઊભો થાય કે પક્ષને કોઈ બેઠક પર રાજકીય નુકસાન થાય, આગામી સમયમાં જગદીશભાઈની નેતળત્વ ક્ષમતા માટે આ જ સૌથી મહત્ત્વપૂર્ણ માપદંડ બનશે.
૨૦૨૭ની ગુજરાત વિધાનસભા ચૂંટણી...સૌથી મોટો પડકાર ગુજરાતમાં ૨૦૨૭માં યોજાનારી વિધાનસભા ચૂંટણી જગદીશભાઈ વિશ્વકર્માના પ્રદેશ પ્રમુખ તરીકેના કાર્યકાળની સૌથી મોટી પરીક્ષા બની શકે છે.
૧. ૧૫૬ બેઠકોના ઐતિહાસિક પરિણામને જાળવી રાખવાનો પડકાર
૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપે ૧૫૬ બેઠકો જીતી હતી , આટલી મોટી સંખ્યામાં બેઠકો જીત્યા બાદ આગામી ચૂંટણીમાં એજ સ્તરનું પ્રદર્શન જાળવવું રાજકીય રીતે પડકારજનક છ. ઘણી વખત સત્તામાં લાંબા સમય સુધી રહેલા પક્ષ સામે સ્થાનિક સ્તરે સત્તા વિરોધી અસંતોષ ઊભો થતો હોય છે. રસ્તા, પાણી, ગટર, રોજગાર, ખેતી, શિક્ષણ, આરોગ્ય અને મોંઘવારી જેવા પ્રશ્નો સ્થાનિક ચૂંટણીમાં મહત્ત્વના બની શકે છે. જગદીશભાઈએ પ્રદેશ પ્રમુખ તરીકે પક્ષના સ્થાનિક નેતાઓ અને કાર્યકરો પાસેથી આવા પ્રશ્નોની માહિતી મેળવીને સમયસર યોગ્ય રાજકીય પ્રતિસાદ આપવો પડશે.
૨. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામેની રાજકીય લડાઈ
ગુજરાતમાં ભાજપનો મુખ્ય રાજકીય પડકાર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી છે. કોંગ્રેસ પાસે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જૂનું સંગઠન, સ્થાનિક નેતાઓ અને પરંપરાગત મતદારોનો આધાર છે. બીજી તરફ આમ આદમી પાર્ટીએ ૨૦૨૨ની ચૂંટણીમાં પાંચ બેઠકો જીતીને ગુજરાતના રાજકારણમાં પોતાની હાજરી નોંધાવી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્ર, આદિવાસી વિસ્તારો અને શહેરી મતદારોમાં વિપક્ષની રાજકીય પ્રવળત્તિઓ ભાજપ માટે પડકાર ઊભો કરી શકે છે. આવા સંજોગોમાં ભાજપે માત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્ર સરકારની લોકપ્રિયતા પર આધાર રાખવાને બદલે સ્થાનિક મુદ્દાઓ અને રાજ્ય સરકારની કામગીરીના આધારે પણ મતદારોનો વિશ્વાસ જાળવી રાખવો પડશે.
૩. પાટીદાર અને ઓબીસી મતદારોનાં સમીકરણો
ગુજરાતના રાજકારણમાં પાટીદાર અને ઓબીસી મતદારોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત ક્ષત્રિય, દલિત અને આદિવાસી સમાજના મતદારો પણ અનેક બેઠકો પર ચૂંટણીનાં પરિણામો નક્કી કરી શકે છે.
જગદીશભાઈ વિશ્વકર્મા પોતે ઓબીસી સમાજમાંથી આવતા હોવાથી પક્ષ માટે સામાજિક પ્રતિનિધિત્વનો એક સંદેશ આપે છે, પરંતુ માત્ર પ્રદેશ પ્રમુખની સામાજિક ઓળખથી કોઈ એક સમુદાયના તમામ મતદારોનું સમર્થન મળી જાય એવું નથી. સ્થાનિક નેતળત્વ, ઉમેદવારોની પસંદગી, વિકાસનાં કામો અને સમાજના પ્રશ્નો પ્રત્યેની સંવેદનશીલતા પણ મતદારોના વલણને અસર કરે છે. આથી ભાજપ માટે વિવિધ સમાજના નેતાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવું અને સામાજિક સમરસતાનું રાજકીય માળખું જાળવી રાખવું મહત્ત્વનું રહેશે.
૪. યુવા મતદારો અને રોજગારનો પ્રશ્ન
ગુજરાતમાં યુવા મતદારોની સંખ્યા નોંધપાત્ર છે, શિક્ષિત યુવાનો માટે રોજગારીની તકો, સરકારી ભરતી, ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતાના અવસર મહત્ત્વના મુદ્દા છે. ગુજરાત ઔદ્યોગિક રીતે વિકસિત રાજ્ય તરીકે ઓળખાય છે, તેમ છતાં રોજગારની ગુણવત્તા, સ્થાનિક સ્તરે નોકરીઓની ઉપલબ્ધતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શિતા જેવા પ્રશ્નો રાજકીય ચર્ચામાં રહે છે. ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈએ યુવા મોરચા અને અન્ય સંગઠનો દ્વારા યુવાનો સાથે સંવાદ વધારવો પડશે. યુવાનોના પ્રશ્નોને સાંભળીને પક્ષની નીતિઓ અને સરકારની યોજનાઓ તેમની સમક્ષ અસરકારક રીતે રજૂ કરવી પણ જરૂરી રહેશે.
૫. ઉમેદવારોની પસંદગી અને જૂથવાદ
વિધાનસભા ચૂંટણીમાં સૌથી સંવેદનશીલ પ્રશ્ન ઉમેદવારોની પસંદગીનો હોય છે. લાંબા સમયથી પક્ષ માટે કામ કરતા કાર્યકરો, વર્તમાન ધારાસભ્યો, નવા ચહેરાઓ અને સ્થાનિક સમાજના પ્રભાવશાળી નેતાઓ વચ્ચે ટિકિટ માટે સ્પર્ધા થતી હોય છે. ભાજપે ભૂતકાળમાં અનેક વખત નવા ચહેરાઓને તક આપી છે , પરંતુ મોટા પ્રમાણમાં ઉમેદવારો બદલવામાં આવે ત્યારે અસંતોષ અને બળવાખોરીનું જોખમ પણ રહે છે. જગદીશભાઈ માટે ઉમેદવારોની પસંદગીમાં સર્વે, સ્થાનિક સંગઠનનો અભિપ્રાય, ચૂંટણી જીતવાની ક્ષમતા અને કાર્યકરોની સ્વીકળતિ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી રહેશે. આ પ્રક્રિયામાં તેમની સંગઠનાત્મક પકડની સૌથી કઠિન કસોટી થઈ શકે છે. સરકાર અને સંગઠન વચ્ચે સંકલન ભૂપેન્દ્રભાઇ પટેલ અને હર્ષ સંઘવી સાથેની જવાબદારી ગુજરાતમાં ભાજપનું સંગઠન અને રાજ્ય સરકાર બંને વચ્ચે સુમેળ જાળવવો પ્રદેશ પ્રમુખની મહત્ત્વપૂર્ણ જવાબદારી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતળત્વ હેઠળ રાજ્ય સરકાર વિકાસલક્ષી યોજનાઓ, માળખાકીય સુવિધાઓ, ઉદ્યોગો, રોકાણ અને નાગરિક સેવા ઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ સરકારના વિવિધ વિભાગોની કામગીરી સંભાળે છે.
જગદીશભાઈએ સરકારની યોજનાઓ અને વિકાસનાં કામો લોકો સુધી પહોંચાડવા માટે સંગઠન ને સક્રિય રાખવું પડે છે. સાથે સાથે લોકોની ફરિયાદો, સ્થાનિક પ્રશ્નો અને સરકારની કામગીરી અંગે કાર્યકરો તરફથી મળતા પ્રતિભાવો પણ સરકાર સુધી પહોંચાડવા જરૂરી છે. આ સંકલન માત્ર ચૂંટણી પૂરતું ન હોવું જોઈએ, સરકાર અને સંગઠન વચ્ચે સતત સંવાદ જળવાઈ રહે તો પક્ષને જનતાની બદલાતી અપેક્ષાઓનો ખ્યાલ રહે છે. જગદીશભાઈ માટે આ જવાબદારી ખાસ મહત્ત્વ ની છે, કારણ કે તેઓ પોતે પણ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે કામ કરી ચૂકયા છે. તેથી તેમને સરકારની વહીવટી પ્રક્રિયા અને સંગઠનની રાજકીય જરૂરિયાતો બંનેનો અનુભવ છે.
જગદીશ ભાઈ માટે આગામી એક વર્ષ માટેની મુખ્ય પ્રાથમિકતાઓ જોઈએ તો, ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જગદીશભાઈ વિશ્વકર્મા સામેની મુખ્ય પ્રાથમિકતાઓ પૈકી પાંચ પ્રાથમિકતા જરૂરી બની રહેશે.
પ્રથમ, બૂથ સ્તરે સંગઠન મજબૂત કરવું, દરેક મતદાન મથક પર સક્રિય કાર્યકરો, મતદારો સાથે સતત સંપર્ક અને સ્થાનિક પ્રશ્નો નું યોગ્ય વ્યવસ્થાપન ચૂંટણીમાં નિર્ણાયક બની શકે છે.
બીજું, નારાજ કાર્યકરો અને સ્થાનિક નેતાઓને સાથે રાખવા, પક્ષના જૂથવાદ અને આંતરિક મતભેદો ને વહેલી તકે ઉકેલવા પડશે , સંગઠનમાં દરેક સ્તરે જવાબદારીની સ્પષ્ટ વહેંચણી જરૂરી છે.
ત્રીજું, નવા અને યુવા નેતળત્વને તક આપવી, પક્ષમાં નવી પેઢીના કાર્યકરોને આગળ લાવવાથી સંગઠનને નવી ઊર્જા મળી શકે છે. જોકે, આ પ્રક્રિયામાં અનુભવી નેતાઓનું માર્ગદર્શન પણ જાળવવું પડશે.
ચોથું, સામાજિક અને પ્રાદેશિક સમીકરણો મજબૂત કરવાં , સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને આદિવાસી પટ્ટાના રાજકીય પ્રશ્નો અલગ છે, દરેક વિસ્તાર માટે અલગ વ્યૂહરચના ઘડવી પડશે.
પાંચમું, ચૂંટણી પહેલાં જનસંપર્ક અને વિશ્વાસ વધારવો , સરકારની યોજનાઓનો લાભ ખરેખર લોકો સુધી પહોંચે છે કે નહીં, સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ થાય છે કે નહીં અને પક્ષના નેતાઓ લોકો વચ્ચે ઉપલબ્ધ છે કે નહીં, તે બાબતો પર વિશેષ ધ્યાન આપવું પડશે.
પ્રથમ વર્ષનું મૂલ્યાંકન... સફળતા, સંભાવનાઓ અને બાકી રહેલી કસોટીઓ
જગદીશભાઈ વિશ્વકર્માના પ્રથમ વર્ષનું મૂલ્યાંકન કરતાં કહી શકાય કે તેમણે સંગઠનાત્મક પુનર્ગઠન, જિલ્લાઓની મુલાકાત, કાર્યકરો સાથે સંવાદ, પ્રશિક્ષણ કાર્યક્રમો અને ચૂંટણી લક્ષી તૈયારીઓ પર ભાર મૂકયો છે. તેમની સૌથી મોટી તાકાત એ છે કે તેઓ સંગઠનના પાયાના સ્તરેથી આગળ આવ્યા છે. બૂથ વ્યવસ્થાપનનો અનુભવ, અમદાવાદ શહેર ભાજપના અધ્યક્ષ તરીકેની કામગીરી અને સરકારમાં મંત્રી તરીકેનો અનુભવ તેમને પક્ષના વિવિધ સ્તરો સાથે જોડે છે.
બીજી તરફ, સંગઠનાત્મક ફેરફારોને ચૂંટણીલક્ષી પરિણામોમાં રૂપાંતરિત કરવાનું કામ હજુ બાકી છે. સ્થાનિક સ્તરે પક્ષની અંદર ઊભા થતા મતભેદો, વિપક્ષ ની વધતી રાજકીય પ્રવળત્તિઓ અને લાંબા સમયથી સત્તામાં રહેલા પક્ષ સામે ઊભા થતા પ્રશ્નોનો સામનો કરવો પડશે . આથી તેમના પ્રથમ વર્ષની કામગીરીને સંપૂર્ણ સફળતા કે નિષ્ફળતાના માપદંડથી જોવી વહેલી ગણાશે. સંગઠનાત્મક ફેરફારો અને નવી પહેલો તેમની કાર્યશૈલીની દિશા દર્શાવે છે, પરંતુ અંતિમ મૂલ્યાંકન માટે આગામી ચૂંટણીઓનાં પરિણામો અને પક્ષની આંતરિક એકતા વધુ સ્પષ્ટ ચિત્ર રજૂ કરશે.
જગદીશ ભાઈ માટે હવે ખરી કસોટી શરૂ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રથમ વર્ષમાં સંગઠનને વધુ સક્રિય બનાવવા અને પક્ષના વિવિધ સ્તરો વચ્ચે સંકલન વધારવા પર ધ્યાન આપ્યું છે. તેમનો રાજકીય અનુભવ, કાર્યકરો સાથેનો સંપર્ક અને સરકાર તથા સંગઠન બંનેમાં કામ કરવાની ક્ષમતા તેમને એક મહત્ત્વપૂર્ણ નેતા તરીકે સ્થાપિત કરે છે.
પરંતુ ગુજરાત ભાજપની સામે હવે માત્ર સંગઠન ચલાવવાનો પડકાર નથી. પક્ષે રાજ્યમાં સતત સત્તા જાળવી રાખવાની પોતાની રાજકીય પરંપરાને આગળ વધારવાની છે. ૨૦૨૨માં મળેલી ૧૫૬ બેઠકોની ઐતિહાસિક સફળતા પછી ૨૦૨૭માં પણ મજબૂત પરિણામ મેળવવાની અપેક્ષા રહેશે.
જગદીશભાઈની નેતળત્વ ક્ષમતા, ઉમેદવારોની પસંદગીમાં તેમનો અભિગમ, આંતરિક અસંતોષને સંભાળવાની કુશળતા અને બૂથ સ્તરે સંગઠનને કેટલું મજબૂત બનાવી શકે છે તે બાબતો આગામી સમયમાં નિર્ણાયક બનશે. પ્રદેશ અધ્યક્ષ તરીકેનું પ્રથમ વર્ષ તેમના માટે સંગઠનને સમજવા અને પોતાની કાર્યશૈલી સ્થાપિત કરવાનો સમય રહ્યો છે, પરંતુ હવે બીજું વર્ષ ચૂંટણીની તૈયારી, રાજકીય વ્યૂહરચના અને સંગઠનના વાસ્તવિક પરિણામોનું વર્ષ બની શકે છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
