તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st October 2026
ગાંધીનગર ખાતે માહિતી નિયામકની કચેરીમાં સંયુક્ત માહિતી નિયામક જયેશભાઈ દવેનો ભાવસભર વિદાય સમારોહ યોજાયો : ૨૮ વર્ષની નિષ્ઠાવાન સેવાઓ બાદ થયા વય નિવૃત્ત
મુખ્યમંત્રીના એપીઆરો વિવેક ત્રિવેદી અને પરિવારજનોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં જયેશભાઈ દવેએ જૂનાગઢથી શરૂ થયેલી ૨૮ વર્ષની લાંબી સરકારી કારકિર્દીના યાદગાર સંસ્મરણો વાગોળ્યા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર ખાતે સંયુક્ત માહિતી નિયામક તરીકે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપનાર જયેશભાઈ દવે વય નિવૃત્ત થતાં તેમનો ભાવભીનો વિદાયમાન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ તેમને ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખી નિવૃત્ત જીવન માટે હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી.
આ વિદાય સમારોહમાં મુખ્યમંત્રીના એપીઆરો વિવેક ત્રિવેદી વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. આ ઉપરાંત નાયબ માહિતી નિયામક પારુલબેન મણિયાર, નિત્યા ત્રિવેદી, ચિંતન રાવલ, ડૉ. ઉર્વિ રાવલ, મનિષા વાઘેલા, સહાયક માહિતી નિયામક સંજયસિંહ ચાવડા અને અંકુર શ્રીમાળી સહિતના અધિકારીઓ-સહકર્મચારીઓએ જયેશભાઈ દવે સાથેના કાર્યકાળના મધુર અનુભવો શેર કર્યા હતા. આ ખાસ અવસરે જયેશભાઈ દવેના ધર્મપત્ની અને પુત્રી સહિતના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
પોતાના વિદાય પ્રવચનમાં સંયુક્ત માહિતી નિયામક જયેશભાઈ દવેએ માહિતી ખાતામાં જૂનાગઢ ખાતેથી માહિતી મદદનીશ વર્ગ-૩ તરીકે શરૂ થયેલી અને સંયુક્ત માહિતી નિયામક - સુપર ક્લાસ-૧ સુધી પહોંચેલી ૨૮ વર્ષની સરકારી સેવાના અનુભવો વાગોળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સાથી કર્મયોગીઓના સાથ-સહકારથી જ તેઓ આ પદ સુધી પહોંચ્યા છે અને હંમેશા બધાને સાથે લઈને કામ કરવાની ભાવના રહી હોવાનું કહી તેમણે સહકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
જયેશભાઈ દવેની ૨૮ વર્ષીય પ્રેરણાદાયી કારકિર્દીની સફર:
* સપ્ટેમ્બર ૧૯૯૮માં જૂનાગઢ ખાતે માહિતી મદદનીશ તરીકે સરકારી સેવાઓની શરૂઆત કરી હતી.
* સિનિયર સબએડિટર તરીકે બઢતી મળ્યા બાદ ભરૂચ જિલ્લા માહિતી કચેરીમાં સેવા આપી હતી.
* ગાંધીનગર વડી કચેરી ખાતે સમાચાર શાખામાં લાંબા સમય સુધી એટલે કે ૧૫ વર્ષ સુધી ફરજ બજાવી હતી.
* લોકભવન ખાતે પ્રેસ સચિવ તરીકે સહાયક માહિતી નિયામકના હોદ્દા પર રહીને ચાર અલગ-અલગ રાજ્યપાલશ્રીઓ સાથે કામ કરવાનો ઉત્તમ અનુભવ મેળવ્યો હતો.
* ગાંધીનગર જિલ્લા માહિતી કચેરીમાં નાયબ માહિતી નિયામક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.
* કારકિર્દીના અંતિમ બે વર્ષ વડી કચેરીની પ્રકાશન શાખામાં લોકભોગ્ય વિવિધ પ્રકાશનો પ્રસિદ્ધ કરીને રાજ્ય સરકારની કામગીરીના પ્રચાર-પ્રસારમાં મોટો ફાળો નોંધાવ્યો હતો.
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
