News of Tuesday, 23rd June 2026
અમદાવાદ મનપામાં ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે નોકરીની તક :250 ખાલી જગ્યાઓ ભરવા ઓનલાઈન અરજીઓ મંગાવી
સહાયક સીનિયર કલાર્કની જગ્યાએ અરજી કરવા માટે ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક હોવા સાથે કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ

અમદાવાદ :સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. AMCએ વહીવટી કેડરમાં સહાયક સીનિયર કલાર્કની કુલ 250 ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. લાયક ઉમેદવારો AMCની સત્તાવાર વેબસાઈટ પર જઈને 7 જુલાઈ 2026 સુધી અરજી કરી શકે છે. સરકારી ક્ષેત્રમાં સ્થિર કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ એક મહત્વપૂર્ણ તક માનવામાં આવી રહી છે.
સહાયક સીનિયર કલાર્કની જગ્યાએ અરજી કરવા માટે ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ઓછામાં ઓછા 50 ટકા ગુણ સાથે સ્નાતક હોવો જરૂરી છે. ઉપરાંત ઉમેદવાર પાસે સરકારી, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા, અર્ધસરકારી વિભાગ, બોર્ડ, નિગમ અથવા કંપની એક્ટ હેઠળ નોંધાયેલી સંસ્થામાં વહીવટી કેડરનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. ઉમેદવારને કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ અથવા ધોરણ 10 કે 12માં કોમ્પ્યુટર વિષયનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. જો CCC પ્રમાણપત્ર ન હોય તો નિમણૂક બાદ એક વર્ષની અંદર CCC પરીક્ષા પાસ કરવી પડશે.
પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના ત્રણ વર્ષ માટે દર મહિને 26,000નું ફિક્સ વેતન આપવામાં આવશે. ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનના આધારે લેવલ-4 પે મેટ્રિક્સ મુજબ 25,500થી 81,100 સુધીનો પગાર તેમજ સરકારના નિયમો મુજબ અન્ય ભથ્થાં પણ આપવામાં આવશે. અરજી માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 38 વર્ષ હોવી જોઈએ. અનામત વર્ગ અને મહિલા ઉમેદવારોને નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે.
AMC દ્વારા જાહેરખબર ક્રમાંક 02/2026-27 હેઠળ ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો 7 જુલાઈ 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ભરતી સંબંધિત તમામ માહિતી અને અરજી પ્રક્રિયા AMCની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે. યોગ્ય લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો માટે આ સરકારી નોકરી મેળવવાની એક સારી તક બની શકે છે. ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ જોયા વગર સમયસર અરજી કરવાની સલાહ આપવામાં આવી છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
