News of Tuesday, 28th July 2026
સુરતના નક્ષત્ર સેફ વોલ્ટના લોકરમાંથી લાખોના દાગીના અને રોકડ ગાયબ :વોલ્ટના માલિક સહિત ત્રણ સંચાલકોની અટકાયત
સુરતના સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલા જાણીતા નક્ષત્ર સેફ વોલ્ટમાં ગંભીર ચોરીનો મામલો બહાર આવ્યો:લોકરમાંથી લાખોના દાગીના અને રોકડ ગાયબ થવાના અહેવાલોથી ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો

સુરત શહેરમાં ખાનગી લોકર સંચાલકોની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સત્તાવાર અહેવાલો મુજબ, સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલા પ્રખ્યાત નક્ષત્ર સેફ વોલ્ટમાંથી ગ્રાહકોના કરોડો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ગાયબ થતાં ભારે હોબાળો મચી ગયો છે.
સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલું નક્ષત્ર સેફ વોલ્ટ સ્થાનિક વેપારીઓ અને સામાન્ય નાગરિકો માટે કિંમતી સામાન મૂકવાનું એક મોટું કેન્દ્ર માનવામાં આવે છે. ચોરીની ખબર વાયુવેગે પ્રસરતાં જ સોના-ચાંદી અને મોટી રોકડ રકમ મૂકનારા સેંકડો લોકરધારકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. લોકો પોતપોતાની ચાવીઓ લઈને તાબડતોબ સેફ હાઉસ ખાતે પહોંચી ગયા હતા જેને કારણે સ્થળ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અહીં આવીને તપાસ કરતા કેટલાક ગ્રાહકોના લોકર સંપૂર્ણ સુરક્ષિત મળી આવ્યા હતા, જ્યારે ડઝનથી વધુ ગ્રાહકોએ તેમના લોકરમાંથી હીરા, સોનું અને મહત્વના દસ્તાવેજો ગાયબ હોવાની ગંભીર ફરિયાદો કરી છે.
આ ઘટનાના ભોગ બનેલા ગ્રાહકોએ મીડિયા સમક્ષ પોતાની ગંભીર આપવીતી રજૂ કરી છે. મોરડીયા રેખાબેન સંજયભાઈએ જણાવ્યું કે ન્યૂઝમાં અહેવાલ જોઈને તેઓ ગભરાઈને દોડી આવ્યા હતા, જોકે સદનસીબે તેમનું લોકર સુરક્ષિત મળ્યું છે. પરંતુ બધા ગ્રાહકો એટલા નસીબદાર નહોતા.
-
લોકર જામ થવાનું બહાનું: ડભોલી ચાર રસ્તા પાસે રહેતા લોકર ધારક સવાણી અજય વાલજીભાઈએ આક્ષેપ કર્યો છે કે બે દિવસ પહેલાં જ્યારે તેઓ લોકર ઓપરેટ કરવા આવ્યા ત્યારે સંચાલકોએ લોકર જામ થઈ ગયું છે તેમ કહી બીજા દિવસે આવવા જણાવ્યું હતું. આજે તપાસ કરતાં મુખ્ય સંચાલકો ગાયબ છે અને માત્ર એક સિક્યોરિટી ગાર્ડ હાજર છે.
-
વિશ્વાસઘાત અને ઉચાપત: અન્ય પીડિત ગ્રાહક નંદાબા રાજપૂતે જણાવ્યું કે તેમના પતિ અને જમાઈના સંયુક્ત નામે રહેલા લોકરમાંથી મોટી રોકડ રકમ ગાયબ થઈ ગઈ છે. સંચાલકોએ અગાઉ સામાન કાઢી જવા મેસેજ કર્યો હતો પરંતુ ચાવીના વિવાદમાં મોડું થતાં આ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
અજયભાઈ સહિતના અનેક ગ્રાહકો હવે સિંગણપોર પોલીસ સ્ટેશન ખાતે સત્તાવાર એફ.આઈ.આર. (FIR) નોંધાવવા માટે એકત્રિત થયા છે.
આ હાઈ-પ્રોફાઈલ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સિંગણપોર પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવ્યો છે જેથી રોષે ભરાયેલા લોકો કાયદો હાથમાં ન લે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
