<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st May 2026

અમદાવાદનાડી કેબિન વિસ્તારમાં રોડ કપાત હેઠળ સ્કૂલના બાંધકામ પર ફરી વળ્યું જેસીબી

સ્કૂલ ઉપરાંત રોડ લાઈનમાં આવતી અન્ય નાની-મોટી કોમર્શિયલ અને રહેણાંક મિલ્કતોના ભાગો પણ દૂર કરવામાં આવ્યા છે

અમદાવાદ,તા.૩૧:અમદાવાદ શહેરમાં વધી રહેલા વાહનોના ભારણને પહોંચી વળવા અને ટાઉન પ્લાનિંગ સ્કીમ (TP)ના સુચારુ અમલીકરણ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા સતત ડિમોલિશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ડી કેબિન વિસ્તારમાં એક મોટી કપાત કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં ભવિષ્યના ટ્રાફિક પ્લાનિંગને ધ્યાનમાં રાખીને ૨૪ મીટરનો વાઈડ રોડ બનાવવાનો પ્રોજેક્ટ મંજૂર થયેલો છે, જેમાં નડતરરૂપ બનતી મિલ્કતોને હટાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.

આ મેગા ઓપરેશન દરમિયાન ડી કેબિન રોડ પર આવેલી જાણીતી 'IP ઇંગ્લિશ સ્કૂલ'ના બિલ્ડિંગનો જે ભાગ રોડ કપાત રેખાની અંદર આવતો હતો, તેને એસ્ટેટ વિભાગની ટીમે ભારે મશીનરીની મદદથી તોડી પાડ્યો હતો. સ્કૂલ પ્રશાસનને આ અંગે અગાઉથી જ કાયદેસરની નોટિસ આપીને જાણ કરવામાં આવી હોવાના અહેવાલ છે. સ્કૂલ ઉપરાંત રોડ લાઈનમાં આવતી અન્ય નાની-મોટી કોમર્શિયલ અને રહેણાંક મિલ્કતોના ભાગો પણ દૂર કરવામાં આવ્યા છે.

ડિમોલિશનની આ કામગીરી દરમિયાન રસ્તા પર મોટો કાટમાળ જમા થતો હોવાથી અને જેસીબી મશીનોની સતત અવરજવરને કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવાયા હતા. ડી કેબિનથી લઈને વાળીનાથ ચોક સુધીનો આખો રોડ સામાન્ય વાહનચાલકો માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો અને ટ્રાફિકને અન્ય વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરાયો હતો. એસ્ટેટ વિભાગના અધિકારીઓનો દાવો છે કે રોડ ૨૪ મીટરનો થઈ ગયા બાદ આ પંથકમાં પીક અજર્સ દરમિયાન થતા ટ્રાફિક જામમાંથી હજારો વાહનચાલકોને કાયમી મુક્તિ મળશે.

(11:16 AM IST)