News of Thursday, 18th June 2026
વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ અંબાલાલ પટેલની આગાહીને બેબુનિયાદ, અંધશ્રદ્ધા ફેલાવતી અને સંપૂર્ણપણે 'બકવાસ' ગણાવી ખુલ્લો પડકાર ફેંક્યો
વૈજ્ઞાનિક આધાર વિના માત્ર પરંપરાગત અનુમાનોના આધારે આગાહીઓ કરી ખેડૂતો અને સામાન્ય લોકોને ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાના આક્ષેપો

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ હવામાન અને વરસાદની આગાહીઓ વચ્ચે એક નવો વિવાદ ગરમાયો છે. રાજકોટની પ્રખ્યાત ‘વિજ્ઞાન જાથા’ સંસ્થાએ પરંપરાગત રીતે વરસાદની આગાહી કરતા ખાનગી આગાહીકારો સામે ખુલ્લેઆમ મોરચો માંડ્યો છે. જૂનાગઢમાં યોજાયેલા એક સંમેલન દરમિયાન, વિજ્ઞાન જાથાના અગ્રણી પ્રતિનિધિ જયંત પંડ્યાએ જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ સહિતના અન્ય લોકો દ્વારા કરવામાં આવેલી વરસાદ સંબંધિત આગાહીઓને સખત શબ્દોમાં નકારી કાઢી છે અને તેને સંપૂર્ણપણે બેબુનિયાદ ગણાવી છે.
જયંત પંડ્યાના જણાવ્યા અનુસાર, કોઈપણ વૈજ્ઞાનિક સાધનો, આંકડાકીય વિશ્લેષણ કે આધુનિક ટેકનોલોજીના ઉપયોગ વગર મનમાં આવે તેવી આગાહીઓ કરવામાં આવે છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકો ગેરમાર્ગે દોરાય છે. તેમણે દાવો કર્યો હતો કે વિજ્ઞાન જાથા પાસે વર્ષોથી એકત્રિત ડેટા છે, જે દર્શાવે છે કે અનેક આગાહીઓ વારંવાર ખોટી પડી છે.
વિજ્ઞાન જાથાએ જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહીઓ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ સંસ્થાએ ચેતવણી આપી હતી કે વૈજ્ઞાનિક આધાર વગરની આગાહીઓ સામે ટૂંક સમયમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
જયંત પંડ્યાના નિવેદન બાદ અંબાલાલ પટેલે પણ વળતો પ્રતિસાદ આપ્યો છે. તેમણે જણાવ્યું કે પરંપરાગત હવામાન જ્ઞાન માત્ર કહેવતો પર આધારિત નથી, પરંતુ વર્ષો જૂના નિરીક્ષણો અને કુદરતી ચક્રોના અભ્યાસ પર આધારિત છે.
(8:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
