News of Sunday, 6th September 2026
શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપળામાં જન્માષ્ટમી અને શિક્ષક દિવસની ઉજવણી
શાળામાં શ્રીકૃષ્ણના જીવન અને ઉપદેશોને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપળામાં જન્માષ્ટમી તથા શિક્ષક દિવસની ભવ્ય અને આનંદમય ઉજવણી કરવામાં આવી હતી. બંને પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
જન્માષ્ટમી નિમિત્તે શાળામાં શ્રીકૃષ્ણના જીવન અને ઉપદેશોને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. વિદ્યાર્થીઓએ શ્રીકૃષ્ણ, રાધા અને ગોપ-ગોપીઓના વેશ ધારણ કરી સૌનું મન મોહી લીધું હતું. કૃષ્ણભજનો, રાસ-ગરબા, નૃત્ય તથા દહીંહાંડી જેવા કાર્યક્રમો દ્વારા સમગ્ર શાળા પરિસરમાં આનંદ અને ભક્તિનું વાતાવરણ સર્જાયું હતું.
ત્યારબાદ ૫ સપ્ટેમ્બરના રોજ ભારતના મહાન શિક્ષણશાસ્ત્રી અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરતાં વક્તવ્યો, કાવ્યો, ગીતો તથા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી વર્ગખંડમાં અધ્યાપન કાર્યનો અનુભવ પણ મેળવ્યો હતો.
શાળાના આચાર્ય એ બંને પ્રસંગોના મહત્વ વિશે માર્ગદર્શન આપતાં વિદ્યાર્થીઓને શ્રીકૃષ્ણના જીવનમાંથી સત્ય, ધર્મ અને કર્તવ્યનિષ્ઠાની તથા શિક્ષકો પાસેથી શિસ્ત, જ્ઞાન અને સારા સંસ્કારોની પ્રેરણા લેવા જણાવ્યું હતું.
આમ, શ્રી મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપળામાં જન્માષ્ટમી અને શિક્ષક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ, ભક્તિ અને આનંદ સાથે કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક, પ્રેરણાદાયી અને યાદગાર રહ્યો હતો
(1:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
