<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

સુરતમાં પૂરથી પ્રભાવિત ગીતાનગરના જમનાબેનને મળી રૂ. ૬,૮૦૦ની કેશડોલ્સ, ઘરવખરી સહાય

આકાશી આફતમાં શ્રમિક જમનાબેનના પરિવારને આર્થિક રાહત મળી

સુરત :સુરત અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ નિર્માણ પામી હતી. આ આકાશી આફતમાં લિંબાયતના ગીતાનગરમાં છેલ્લા ૪ વર્ષથી રહેતા અને છૂટક મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા જમનાબેનનું ઘર પણ પ્રભાવિત થયું હતું. તેમના સાત સભ્યોના પરિવારમાં સાસુ-સસરા, પતિ-પત્ની અને ત્રણ બાળકો પર આ કુદરતી આફત આભ તૂટી પડવા સમાન સાબિત થઈ હતી. ભારે વરસાદ અને પૂરના કારણે સતત ૩ દિવસ સુધી ઘરમાં માથાડૂબ પાણી ભરાઈ રહેતા ઘરવખરીનો તમામ સામાન, અનાજ, કપડાલતા નષ્ટ થયા હતા.
  આ કપરા સમયમાં પાણી ઓસરતાની સાથે જ સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરીને આ વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અને તંત્ર દ્વારા પૂર પ્રભાવિતોને તાત્કાલિક રાશન અને નાસ્તા-પાણીની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ વહીવટી તંત્ર દ્વારા કેશડોલ્સ અને ઘરવખરી નુકસાનીના વળતર પેટે જમનાબેનના પરિવારને રૂ. ૬,૮૦૦ની રોકડ સહાય ચૂકવવામાં આવી છે. હાલ પરિવાર સુરક્ષિત અને સ્વસ્થ છે. જમનાબેને જણાવ્યું હતું કે, સરકારની સહાય આધારરૂપ બની છે.  હવે પોતાની જીવન જરૂરિયાતની વસ્તુઓ વસાવીને ફરીથી સામાન્ય જીવન જીવી શકશે.

(6:08 PM IST)