<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

જલ હૈ તો કલ હૈઃ પીવાના પાણીનો પાણીદાર પ્‍લાનઃ શિયાળુ પાક માટે મુશ્‍કેલી

પીવાના અને સિંચાઇના હેતુના ડેમ છે તેમાંથી હવે સિંચાઇ માટે પાણી આપવામાં નહિ આવેઃ ખેડૂતો માટે ચિંતાના વાદળો દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્‍છ પંથકમાં અછતના ઓછાયાઃ નવા બોર, નર્મદાના નીર વગેરે પર આધારઃ જરૂર પડે ત્‍યાં ટેન્‍કરથી વિતરણ

રાજકોટ તા. ૧૬ :.. ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્‍ટ્ર અને ઉત્તર ભાગમાં ચોમાસામાં વરસાદ એકદમ અપૂરતો થતા અછતના વાદળો ઘેરાયા છે. ઠેર-ઠેરથી દુષ્‍કાળગ્રસ્‍ત વિસ્‍તાર જાહેર કરવા માંગણી ઉઠી છે. ચોમાસુ પાક માટે મુશ્‍કેલી હતી ત્‍યાં વધારામાં શિયાળુ પાક માટે પણ પરિસ્‍થિતિ વિકટ બનવાના એંધાણ છે. રાજય સરકાર દ્વારા ૩૦ જુન ર૦ર૭ સુધીનું પીવાના પાણીનું આયોજન હાથ ધરવામાં આવ્‍યુ છે. જે ડેમમાંથી સિંચાઇ અને પીવા માટે તે બન્ને રીતે પાણીનો ઉપયોગ થાય છે ત્‍યાં સિંચાઇ માટે હવે પછી સરકાર પાણી આપી શકે તેમ નથી. જેને સિંચાઇની સુવિધા કે પાણીનો ખાનગીસ્ત્રોત નથી તેવા ખેડૂતોને રવિ (શિયાળુ) પાક તૈયાર કરવાની મુશ્‍કેલી છે.

સૌરાષ્‍ટ્રમાં પોરબંદર, દ્વારકા, જામનગર, કચ્‍છ અને જુનાગઢ જિલ્લાના કેટલાક વિસ્‍તારો ઓછા વરસાદથી તીવ્ર અછતગ્રસ્‍ત છે. તેમના માટે નર્મદાના નીર, સ્‍થાનિકસ્ત્રોત ઉપરાંત બોટ દ્વારા ઉનાળો પાર કરાવવાનું સરકાર દ્વારા આયોજન થઇ રહ્યુ છે. સરકાર પીવાના પાણીને અગ્રતા આપશે. જરૂર પડયે અમૂક વિસ્‍તારોમાં ટેન્‍કર દ્વારા પાણી વિતરણની પણ તૈયારી છે. ડેમોમાં ઉપલબ્‍ધ જળ જથ્‍થાને  આધારે અને બાષ્‍મીભવનની સંભાવનાને ધ્‍યાને રાખીને આયોજન થઇ રહ્યુ છે. કચ્‍છ પણ અછતથી પ્રભાવિત છે.

આ વર્ષે વરસાદની મોસમ જૂલાઇથી શરૂ થયેલ. મોટાભાગના વિસ્‍તારોમાં જૂલાઇમાં વાવણી થયા બાદ સમયાંતર જરૂરી વરસાદ ન થતાં ચોમાસુ પાક માટે આફત ઉગી છે. સૌરાષ્‍ટ્રમાં પાછોતરો વરસાદ પણ સંતોષકારક નથી. તેથી શિયાળુ પાક અને આવતા ચોમાસા સુધી પીવાના પાણીની ચિંતા શરૂ થઇ છે.

ચોમાસુ પુરૂ થઇ ગયાની વ્‍યાપક માન્‍યતા વચ્‍ચે હજૂ વરસાદની આગાહી થઇ રહી છે તે આશાસ્‍પદ છે. હવે વરસાદ થશે તો પીવાના પાણી અને રવિ પાક માટે રાહતરૂપ થશે

(1:19 PM IST)