<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

જેલકી પાઠશાળા, અંતર્ગત NIOS સાથે મળી ૧થી ૧૨ સુધીના ઓનલાઇન ક્‍લાસ

ડો.કે.એલ.એન.રાવના માર્ગદર્શનમાં સાબરમતી જેલમાં કેદીઓ માટે લાઇવ વર્ચ્‍યુઅલ ક્‍લાસરૂમ શરૂ થશે : ડિસ્‍ટન્‍સ લર્નિંગને બદલે હવે શિક્ષકો સાથે સીધો સંવાદ, ડિગ્રી-સ્‍કિલ કોર્સની પણ સુવિધા મળશે

રાજકોટ, તા.૨૨: રાજ્‍યના મુખ્‍ય પોલીસ વડા અને વર્ષોથી જેમની કાબેલિયત ધ્‍યાને રાખી ગુજરાતના મુખ્‍ય જેલ વડાનો ચાર્જ યથાવત રાખવામાં આવ્‍યો છે તેવા ડો.કે.એલ.એન.રાવના માર્ગદર્શનમાં સાબરમતી સેન્‍ટ્રલ જેલ ખાતે કેદીઓના પુનર્વસન અને શિક્ષણ માટે ઐતિહાસિક પ્રોજેક્‍ટ શરૂ કરવામાં આવ્‍યો છે. જેલ પ્રશાસન દ્વારા ‘જેલ કી પાઠશાલા' નામની યોજના હેઠળ હવે કેદીઓ માટે લાઇવ ઓનલાઈન ક્‍લાસ શરૂ કરવામાં આવશે. આ પહેલ અંતર્ગત કેદીઓ જેલ પરિસરમાં જ વર્ચ્‍યુઅલ ક્‍લાસરૂમ દ્વારા શિક્ષકો સાથે સીધો સંવાદ કરી અભ્‍યાસ કરી શકશે.

અત્‍યાર સુધી કેદીઓ ઓપન યુનિવર્સિટી દ્વારા ડિસ્‍ટન્‍સ લર્નિંગ પદ્ધતિથી જાતે અભ્‍યાસ કરતા હતા. પરંતુ નવી વ્‍યવસ્‍થામાં હવે દરરોજ ઇ-લર્નિંગ સેશન થશે જેમાં શિક્ષકો સાથે રિયલ ટાઈમ ઇન્‍ટરેક્‍શન શકય બનશે. જેલ અધિકારીઓએ જણાવ્‍યું કે આ કાર્યક્રમનો મુખ્‍ય ઉદ્દેશ સાક્ષરતા વધારવી, પુનર્વસનને પ્રોત્‍સાહન આપવું અને કેદીઓને સમાજમાં પુનઃસ્‍થાપન માટે તૈયાર કરવાનો છે.

સાબરમતી જેલ સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ગૌરવ અગ્રવાલે જણાવ્‍યું કે અનેક કેદીઓ અગાઉ ઓપન યુનિવર્સિટી દ્વારા ડિગ્રી કોર્સ કરી ચૂકયા છે, પરંતુ પ્રાથમિક શિક્ષણ પર પણ ધ્‍યાન આપવાની જરૂર હતી. આ માટે નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ઓપન સ્‍કૂલિંગ (NIOS) ના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી છે અને તેઓએ જેલની અંદર સેન્‍ટર સ્‍થાપવા તૈયારી દર્શાવી છે. આ સેન્‍ટર દ્વારા કેદીઓ ધોરણ ૧ થી ૧૨ સુધીનું નિયમિત ઇ-સ્‍કુલિંગ કરી શકશે. સેન્‍ટર સ્‍થપાયા બાદ ઓપન યુનિવર્સિટીઓ સાથે મળીને ડિગ્રી અને ડિપ્‍લોમા કોર્સ પણ શરૂ કરાશે. આ ઉપરાંત સ્‍પોકન ઇંગ્‍લિશ અને વ્‍યાવસાયિક તાલીમ જેવા સ્‍કિલ-બેઝ્‍ડ પ્રોગ્રામ પણ દાખલ કરાશે. અધિકારીઓએ જણાવ્‍યું કે સંપૂર્ણ ઇ-લર્નિંગ સિસ્‍ટમ લાંબા ગાળાના સુધારાત્‍મક પગલા તરીકે ડિઝાઇન કરવામાં આવી રહી છે. અગાઉ પણ જેલના કેદીઓએ નેશનલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ડિઝાઇન (NID) અમદાવાદના સહયોગથી કમ્‍યુનિકેશન અને એન્‍ટી-થેફ્‌ટ પોકેટ બનાવવા જેવા સ્‍કિલ-બેઝ્‍ડ કોર્સ કર્યા હતા. હવે લાઇવ ક્‍લાસથી શિક્ષણમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે.

(2:11 PM IST)